Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

સૌરાષ્ટ્રના ૬ હજારથી વધુ ધરતીપુત્રોને મળ્યો ઓફ ગ્રીડ સોલાર વોટર પમ્પ યોજનાનો લાભ

પશ્ચિમ ગુજરાત વીજ કંપની દ્વારા સૌરાષ્ટ્રના ૧૨ જિલ્લાના ૬૯૪૪ ખેડૂતોના ખેતરમાં રૂપિયા ૩૧૭.૬૭ કરોડના ખર્ચે ઓફ ગ્રીડ સોલાર પમ્પ સેટ નંખાયા

રાજકોટ :રાજ્ય સરકાર દ્વારા જગતના તાત માટે અનેકવિધ યોજનાઓ અમલી બનાવીને ગુજરાતમાં ખેતી અને ખેડૂતને સમૃધ્ધ બનાવવાનું સંનિષ્ઠ કાર્ય કરવામાં આવી રહયું છે. જે અન્વયે સૌરાષ્ટ્રના ખેડૂતો વર્ષમાં બે - ત્રણ પાકો લઈ શકે તે માટે કુવો - બોર જેવા સોર્સ મારફત સિંચાઈની સુવિધા ધરાવતાં ધરતી પુત્રોને રાજ્ય સરકારની પશ્ચિમ ગુજરાત વીજ કંપની દ્વારા ઓફ ગ્રીડ સોલાર વોટર પમ્પ યોજનાનો લાભ આપી તેમને આર્થિક રીતે સક્ષમ બનાવવાનું કાર્ય કરવામાં આવ્યું છે.
પી.જી.વી.સી.એલ.ના મેનેજીંગ ડીરેકટર ડો. ધીમંતકુમાર વ્યાસે આ યોજનાની વિગતો આપતા જણાવ્યું હતુ કે, પશ્ચિમ ગુજરાત વીજ કંપની દ્વારા જે લોકોને ગ્રીડ કનેકશન નથી તેવા ખેડૂત લાભાર્થીઓને ઓફ ગ્રીડ  સોલાર વોટર પમ્પ યોજનાનો લાભ આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત ૨૦૧૪-૧૫ થી ૨૦૧૭-૧૮ માં પી.જી.વી.સી.એલ.ના સૌરાષ્ટ્ર રિજીયોનલ હેઠળના ૧૨ જિલ્લાઓના ૬૯૪૪ ખેડૂતોના ખેતરમાં અંદાજીત રૂપિયા ૩૧૭.૬૭ કરોડના ખર્ચે ૩ HP થી લઈને ૭.૫ HP સુધીના સોલાર પમ્પ સેટ નાંખવામાં આવ્યા છે. જેમાં ખેડૂતોને ૯૫ ટકા સબસીડી આપવામાં આવી છે.
આ યોજનાના લાભાર્થી ખેડૂતોમાં રાજકોટ જિલ્લાના ૬૯૮,  અમરેલી જિલ્લાના ૮૫૨, ભાવનગર જિલ્લાના ૧૧૧૭, બોટાદ જિલ્લાના ૫૪૮, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૫૧૦, ગીર સોમનાથ જિલ્લાના ૫૯૨, જામનગર જિલ્લાના ૬૯૩, જુનાગઢ જિલ્લાના ૫૬૬, કચ્છ જિલ્લાના ૨૭૨, મોરબી જિલ્લાના ૩૧૯, પોરબંદર જિલ્લાના ૫૮ અને સુરેન્દ્રનગર જિલ્લાના ૭૧૯ ખેડૂતોનો સમાવેશ થાય છે.
આ યોજનાનો ફાયદો એ છે કે, દિવસના સમયમાં સૂર્યપ્રકાશ હોવાથી ખેડૂતો દિવસ દરમિયાન તેમના સોલાર પમ્પ સેટનો ઉપયોગ કરી કુવા - બોરમાંથી પાણી ખેંચીને પાકને સિંચાઈનું પાણી આપી શકે છે. આ પમ્પ સોલાર સિસ્ટમ આધારિત હોવાથી ખેડૂતોને વીજળીનું બીલ પણ ભરપાઈ કરવાનું રહેતું નથી.
નોંધનીય છે કે, હાલમાં પ્રધાનમંત્રી કિસાન ઉર્જા સુરક્ષા એવમ ઉત્થાન મહાભિયાન (PM-KUSUM) યોજના અમલમાં છે. આ યોજના અંતર્ગત ૭.૫ HP સુધી કુલ સીસ્ટમના ૩૦ ટકા કેન્દ્ર સરકાર અને ૩૦ ટકા રાજય સરકારની સબસીડી મળવાપાત્ર છે. જયારે ૪૦ ટકા રકમ ખેડૂતોએ ભરવાની થાય છે. આ યોજના હેઠળ પિયત સહકારી મંડળી - સંગઠન અને ક્લસ્ટર આધારિત સિંચાઈ સીસ્ટમને પણ આવરી લેવામાં આવી છે. જેનો બોર - કૂવા – ખેત તલાવડી ધરાવતાં ખેડૂતો લાભ લઈ શકે છે.  
જંગલના દૂરદરાંત વિસ્તારોમાં તથા હયાત વિજલાઇન ઘણી દૂર હોય તેવા વિસ્તારના ખેડૂતોને આ યોજના આશીર્વાદ રૂપ છે. 

(7:31 pm IST)