Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

સફાઈ કર્મચારીઓના ઉત્કર્ષ માટે જામનગર ખાતે રાષ્ટ્રીય સફાઇ કર્મચારી આયોગના સભ્ય અંજના પવારના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ

સફાઇ કર્મચારીઓના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ લાવવા આયોગના સભ્યશ્રીએ આપી ખાત્રી : અધિકારીઓ- સભ્યો સાથે અંજનાબેને કર્યો વિચાર વિમર્શ

( મુકુંદ બદીયાણી દ્વારાજામનગર તા. ૦૭  ,  સફાઇ કર્મચારીઓના ઉત્કર્ષ હેતુ સફાઇ કર્મચારી આયોગના સભ્ય શ્રીમતી અંજનાબેન પવારના અધ્યક્ષસ્થાને  કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઇ હતી. બેઠકમાં સભ્યશ્રીએ સફાઈ કર્મચારીઓના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ લાવવાની ખાત્રી આપી હતી. 

સફાઈ કર્મચારી આયોગના અધિકારીઓ અને સભ્યો સાથેની બેઠકમાં શ્રીમતી અંજનાબેને સફાઈ કર્મચારીઓના પ્રશ્નો વિગતવાર સાંભળ્યા હતા, અને છેવાડાના નાગરિકોનું ઉત્થાન કરવા તથા તેમને પાયાની જરૂરીયાતો પુરી પાડવા માટેના વડાપ્રધાનશ્રીના પ્રયત્નોની સરાહના કરી હતી. સફાઈ કર્મચારીઓને ગણવેશ તથા સફાઈ સંદર્ભના જરૂરી સાધનો પુરા પાડવા, લઘુત્તમ વેતન આપવા, સફાઇ કર્મચારીઓની ભરતી કરવા, ઓન ડ્યુટી કર્મચારીના મૃત્યુ બાદ પરિવારજનને વારસાઇ વગેરે બાબતો અંગેની સફાઈ કર્મીઓની રજૂઆતો શ્રી અંજનાબેને પૂરી સહ્રદયતાથી સાંભળી હતી તેમણે ઉપસ્થિત અધિકારીઓને જણાવ્યું હતું કે સફાઈ કર્મચારીઓ તથા અધિકારીઓ એકબીજાના પૂરક છે, તેઓએ પરસ્પર સંતુલન સાધીને કામગીરી કરવી જોઈએ.

જિલ્લા કલેકટરશ્રી સૌરભ પારધીએ રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના સભ્ય શ્રીમતી અંજના પવારને આ મિટિંગમાં આવકાર્યા હતા. 

આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનરશ્રી વિજય ખરાડી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિહિર પટેલ, અધિક કલેકટર શ્રી રાજેન્દ્ર સરવૈયા, નાયબ પોલીસ અધિક્ષકશ્રી ચાવડા, નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી વસ્તાણી, એમ.પી.શાહ મેડીકલ કોલેજના ડીન શ્રી ડો.નંદીની દેસાઇ, સફાઇ કર્મચારી આયોગના અધિકારીઓ તથા  વિવિધ યુનિયનના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

(1:17 pm IST)