Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

કૂવામાં ૩ માસુમ બાળકોને ફેંકી દઈને માતાએ પણ ઝંપલાવ્યું: બાળકોના મોતઃ માતાનો બચાવ

જામનગર જીલ્લાના ધ્રોલ તાલુકાના મોરાર સાહેબના ખંભાળીયાની ઘટનાઃ ગ્રામજનોએ તાબડતોબ બચાવ કામગીરી કરતા માતા બચી ગઈઃ કારણ અંગે તપાસનો ધમધમાટ

ઉપરની પ્રથમ તસ્વીરમાં ત્રણેય બાળકોના મૃતદેહો, બીજી તસ્વીરમાં કુવામાંથી મૃતદેહો કાઢવાની કામગીરી તથા નીચેની ત્રણેય  તસ્વીરમા ફાયર બ્રિગેડ દ્વારા કુવામાંથી મૃતદેહો કાઢવાની કામગીરી થઇ તે નજરે પડે છે.(તસ્વીર કિંજલ કારસરીયા (જામનગર) સંજય ડાંગર (ધ્રોલ)

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૭ :. જામનગર જીલ્લાના ધ્રોલ પંથકના મોરારસાહેબના ખંભાળીયામાં પરપ્રાંતિય પરિવારના ૩ માસુમ બાળકોના કુવામાંથી મૃતદેહો મળી આવતા અરેરાટી વ્યાપી ગઇ છે. જો કે આ બનાવમાં માતાએ જ પોતાના ૩ સંતાનોને કૂવામાં ફેંકી દઈને આપઘાતનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમને ગ્રામજનોએ બચાવી લીધા હતા.

પ્રાપ્ત માહિતી મુજબ જામનગર જીલ્લાના ખંભાળીયા (મોરારસાહેબ) ગામે રામસંગ તેજુભા જાડેજાની વાડીમાં મજુરી કામ કરતા દાહોદ જીલ્લાના ગરવાની તાલુકાના ભસ ગામના નરેશભાઇ ભુરીયાના ૩ માસુમ બાળકોના મૃતદેહો વાડીના કુવામાં પડયા હોવાની માહિતી પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમને આપવામાં આવી હતી.

ત્યારબાદ કુવામાંથી નરેશભાઇ ભુરીયાની ૪ વર્ષની પુત્રી ડિસુ, અઢી વર્ષની પુત્રી માધુરી અને ૧ વર્ષના પુત્ર તનેશના મૃતદેહને કુવામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.

આ બનાવની જાણ થતા આજુબાજુના ગામમાંથી મોટી સંખ્યામાં ગ્રામજનો પણ ઘટના સ્થળે દોડી ગયા હતા.

દરમિયાન પોલીસ તપાસના અંતે જાણવા મળ્યુ છે કે દાહોદના વતની નરેશભાઈ ભુરીયાના પત્નિ મેસુડીબેને જ પોતાના ૩ સંતાનોને પહેલા કુવામાં ફેંકી દીધા હતા ત્યાર બાદ પોતે પણ કૂવામાં ઝંપલાવ્યુ હતું. જો કે આજુબાજુના લોકો પહોંચી જતા આ મહિલાનો બચાવ થયો હતો. માસુમ બાળકોને શા માટે મોતને ઘાટ ઉતાર્યા અને પોતે પણ આપઘાતનો પ્રયાસ શા માટે કર્યો ? તે માટે પોલીસે તપાસ હાથ ધરી છે.

એક સાથે ૩ માસુમ સંતાનોના મોતથી માતા પડી ભાંગ્યા હતા અને બેભાન થઇ ગયા હતા.  જયારે પોતાની વાડીમાં આ બનાવ બનતા વાડીમાં માલીક રામસંગ તેજુભા જાડેજા પણ હેબતાઇ ગયા હતા.

મૃતદેહોને પોસ્ટમોર્ટ માટે ખસેડવા પંચનામુ સહિતની કામગીરી જામનગર પંચકોશી એ. ડીવીઝન પોલીસ સ્ટેશનનાં નવીનદાનભાઇ ગઢવી, દિનેશભાઇ છૈયા અને સ્ટાફે કરી હતી.

(3:50 pm IST)