Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

વંથલીના સોનારડી ગામની સીમમાં ધમધમતા જુગારધામનો પર્દાફાશઃ ૭ જુગારીની ધરપકડ

રૂ.૧.૪પ લાખની રોકડ સહિત રૂ.૬.૭પ લાખનો મુદામાલ કબ્જે

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૭ : વંથલીના સોનારડી ગામની સીમમાં ધમધમતા જુગારધામનો પોલીસે પર્દાફાશ કરી ૭ જુગારીને રૂ.૧.૪પ લાખની રોકડ સહિત રૂ.૬.૭પ લાખના મુદામાલ સાથે ઝડપી લેતા જુગારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

વંથલીના સોનારડીનો અબુ અલારખા પલેજા ગામની સીમમાં મેંદરડા રોડ પર ફોરેસ્ટ નર્સરીની બાજુમાં આવેલ તેમની જમીનનાં મકાનમાં જુગાર રમાડતો કરવાની બાતમી મળતા મોડી સાંજે વંથલીના પી.એસ.આઇ. એસ.એન.ક્ષત્રિયે સ્ટાફ સાથે દરોડો પાડયો હતો.

જેમાં પોલીસ અબુ પલેજા તેમજ કલાણાનો અજીત ઓસમાણભાઇ, પોરબંદરનો જેઠાભાઇ ખીમજી ઓડેદરા, કલાણાનો હનીફ ઉર્ફે બાલો હબીબભાઇ, જુનાગઢના ટીંબાવાડીનો ચંદુ માનસિંહ રાઠોડ, ધોરાજીના સમઢીયાળા ગામનો વિમલ વિરાભાઇ સિંહોરા અને જુનાગઢની વૃજવિહાર સોસાયટીમાં રહેતો કેતન ઉર્ફે રાજુ લાભુભાઇ ઉર્ફે ભીખુભાઇ છાયાને રૂ.૧,૪પ,૪પ૦ની રોકડ સાથે જુગાર રમતા પકડી પાડયા હતા.

જુગારીઓ પાસેથી પોલીસે રોકડ ઉપરાંત રૂ.૩૦,પ૦૦ના  ૬ મોબાઇલ અને રૂ.પાચ લાખની કાર સહિત કુલ રૂ.૬,૭પ,૯પ૦ની કિંમતનો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(12:59 pm IST)