Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

ભવનાથમાં પીએસઆઇ શીંગરખીયાને કચડનાર I-20 કારનાં સગીર ચાલક રાત્રે ડિટેઇન

ફુટ પેટ્રોલીંગ દરમ્યાન અકસ્માતમાં ડીવાયએસપી જાડેજાનો ચમત્કારિક બચાવ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૭: જુનાગઢનાં ભવનાથમાં રાત્રે ફુટ પેટ્રોલીંગમાં નીકળેલા પીએસઆઇ ડી. કે. શીંગરખીયાને મોતને ઘાટ ઉતારી નાસી જનાર કાર આઇ-ટવેન્ટી કારના સગીર ચાલકને પોલીસે ડિટેઇન કરી આગળની તપાસ હાથ ધરી છે.

ફરજ દરમ્યાન અકસ્માતનો ભોગ બનતા પીએસઆઇનાં પરિવાર તેમજ સાથીદારોમાં ગમગીની વ્યાપી ગઇ છે.

ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાનાં માર્ગદર્શનમાં મોડી સાંજે રીડર પીએસઆઇ ડાયાભાઇ કરશનભાઇ શીંગરખીયા (ઉ.વ.પ૮) સ્ટાફ સાથે ભવનાથ દામોદર કુંડથી ખાખ ચોક વચ્ચેની જગ્યામાં ફુટ પેટ્રોલીંગમાં હતા ત્યારે એક કાર ચાલકે પાછળથી તેમને હડફેટમાં લઇ કાર ભગાવી મુકી હતી.

આ અકસ્માતમાં ડીવાયએસપી શ્રી જાડેજા બચી ગયા હતા. જો કે પી.એસ.આઇ. શીંગરખીયાને માથાનાં ભાગે ગંભીર ઇજા થતા તેમને તાત્કાલીક સારવાર માટે સિવીલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જયાં તેમનું મૃત્યુ નિપજયું હતું.

પી.એસ.આઇ. શીંગરખીયાનાં અવસાનથી પરિવારજનો અને પોલીસ બેડામાં ગમગીની વ્યાપી ગઇ હતી. તેઓ આગામી ૪ માસ બાદ વય મર્યાદાને લઇ નિવૃત થવાનાં હતાં.

અકસ્માતમાં ડી. કે. શીંગરખીયાને કારની ટકકર મારી મોતને ઘાટ ઉતારનાર કાર ચાલક સગીર હોવાનું ખુલ્યું હતું.

આ અંગે પોલીસ કર્મી. વનરાજસિંહ જેઠવાએ ભવનાથ પોલીસમાં અકસ્માત અંગે નોંધ કરાવતાં ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

તપાસમાં અકસ્માત સર્જનાર આઇ ટવેન્ટી કાર જીજે-ર૭-કે-૩૧૪૪ નંબરનું ખુલ્યું હતું.

ડી.વાય.એસ.પી. પ્રદીપસિંહ જાડેજા અને ભવનાથ પી.એસ.આઇ. શ્રી ચુડાસમાએ અકિલા સાથે વાતચીતમાં જણાવેલ કે, કારણે કબ્જે કરવામાં આવી છે. તેનો સગીર ચાલકને પણ ડિટેઇન કરી લેવામાં આવેલ છે. આજે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

દરમ્યાન આજે સવારે પી.એસ.આઇ. શીંગરખીયાને તેમના વતન પોરબંદરના છાયા ખાતે ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ સન્માન આપવામાં આવ્યું હતું.

(11:45 am IST)