Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

સુરેન્દ્રનગર ખાતે સમીક્ષા બેઠક યોજાઇ

છેવાડાના માનવી સુધી સરકારની તમામ યોજનાનો લાભ પહોચે તે જરૂરી : જાડેજા

વઢવાણ તા.૭ : સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કચેરી ખાતે રાજયના અન્ન અને નાગરિક પુરવઠા રાજય મંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ અન્ન - નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતો તેમજ કુટીર ઉદ્યોગ વિભાગ હસ્તકની યોજનાઓની સમીક્ષા અર્થે બેઠક યોજી અધિકારીશ્રીઓને જરૂરી માર્ગદર્શન પુરૂ પાડયું હતુ.

આ બેઠકમાં રાજય મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, છેવાડાના માનવી સુધી સરકારની તમામ યોજનાનો લાભ પહોંચે તે જરૂરી છે. તેમણે સરકાર દ્વારા અમલી બનાવવામાં આવેલ લોકકલ્યાણકારી યોજનાઓના લાભથી જરૂરીયાતમંદ વ્યકિત/પરિવાર વંચિત ન રહે તે અંગે ધ્યાન રાખી પુરવઠા સંદર્ભે આવતી ફરિયાદોનું સત્વરે નિરાકરણ થાય તે જોવા જણાવ્યું હતુ.

મંત્રીશ્રીએ આ તકે જિલ્લામાં પુરવઠા વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલ કામગીરીથી સંતોષની લાગણી વ્યકત કરી હતી.

કુટીર ઉદ્યોગની કામગીરીની સમિક્ષા કરતાં મંત્રીશ્રીએ ઉપસ્થિત અધિકારીશ્રીઓને સરકારની સહાયલક્ષી યોજનાઓ સંદર્ભે સબંધિત બેંકો સાથે સંકલનમાં રહી વધુમાં વધુ લાભાર્થીઓને યોજનાઓના લાભ મળે તે જોવા જણાવી ગ્રાહક સુરક્ષા કેન્દ્રમાં આવતી અરજીઓ ધ્યાને લઈ સત્વરે તેનું નિરાકરણ લાવવા તાકિદ કરી હતી.

આ બેઠકમાં જિલ્લા પુરવઠા અધિકારીશ્રીએ પુરવઠા વિભાગ દ્વારા હાથ ધરાયેલી કામગીરીની પ્રેઝન્ટેશન દ્વારા વિગતો આપતાં જણાવ્યું હતુકે,જિલ્લામાં કુલ ૨,૪૬,૧૭૫ એનએફએસએ કાર્ડ ધારકો છે. કોરોનાકાળ દરમિયાન સરકારશ્રીની અન્ન બ્રહ્મ યોજના હેઠળ પ્રતિ વ્યકિત દીઠ ૩.૫ કિલો ઘઉ, ૧.૫ કિલો ચોખા, ૧ કિલો દાળ, ૧ કિલો ખાંડ અને ૧ કિલો મીઠાનું વિતરણ કરવામાં આવ્યું છે.

જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજરશ્રી એસ. બી. પારેજીયાએ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા અમલીકૃત સ્વરોજગારલક્ષી વિવિધ પ્રોત્સાહક યોજનાઓની વિગત આપતા જણાવ્યું હતું કે, ગત વર્ષ દરમિયાન માનવ કલ્યાણ યોજના હેઠળ ૧૩૯૮ લાભાર્થીઓને સહાયના રૂપમાં સાધન ઓજાર મંજૂર કરવામાં આવ્યા હતા, શ્રી વાજપાઈ બેંકેબલ યોજના અંતર્ગત છેલ્લા ૩ વર્ષોમાં ૧૩૦૧ લાભાર્થીઓને અંદાજીત ૬૩૮.૩૮ લાખ રૂપિયાની સબસિડી ચૂકવવામાં આવેલ છે.

આ બેઠકમાં ધારાસભ્યશ્રી ધનજીભાઇ પટેલ, જિલ્લા કલેકટરશ્રી એ. કે. ઔરંગાબાદકર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો. એન. કે. ગવ્હાણે, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. ચંદ્રમણી કુમાર સહિત સબંધિત વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(11:34 am IST)