Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

'ગુજરાત કરાઓકે એશોસિએશન' પ્રજા ઇવેન્ટસ, સુરપંચમ સ્ટુડીયો અને મિલેનિયમ ઇવેન્ટસ દ્વારા ગાયન સ્પર્ધામાં અબુધાબીથી લઇ મહારાષ્ટ્ર સહિત ખુણે ખુણેથી કલાકારોએ ભાગ લીધો

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૭ : અમદાવાદ ગુજરાત કરાઓકે એશોશીએશન, પ્રજા ઇવેન્ટસ, સુરપંચમ સ્ટુડિયો અને મિલેનિયમ ઇવેન્ટસ દ્વારા યોજવામાં આવેલ ગાયન સ્પર્ધામાં અબુધાબી થી લઇ મહારાષ્ટ્ર અને સુરત, જામનગર, સોમનાથ સહિત ખૂણે ખૂણે થી કલાકારોએ આ સ્પર્ધામાં ભાગ લીધો છે.

 ગુજરાત કરાઓકે એશોશીએશનના પ્રમુખ અને ફિલ્મ મેકર શ્રી પ્રજા (પ્રકાશ જાડાવાલા) દ્વારા ગાયન સ્પર્ધા અંગે જણાવ્યું હતું કે, કલાકારોને પ્રોત્સાહન આપવાના ભાગ રૂપે યોજવામાં આવેલ આ સ્પર્ધા માટે કોઈપણ પ્રકારની પ્રવેશ ફિ કે રજિસ્ટ્રેશન ફિ રાખવામાં આવેલ નથી. અમદાવાદ ગુજરાત કરાઓકે એશોશીએશન, પ્રજા ઇવેન્ટસ, સુરપંચમ સ્ટુડિયો અને મિલેનિયમ ઇવેન્ટસ દ્વારા યોજવામાં આવેલ આ સ્પર્ધામાં ૫૩૮ થી વધુ સિંગરોએ ભાગ લીધેલ છે. જેમાં છેક અબુધાબી થી લઇ મહારાષ્ટ્ર અને સુરત, જામનગર, સોમનાથ સહિત ખૂણે ખૂણે થી કલાકારોએ આ સ્પર્ધામાં ભાગ લીધો છે.

શ્રી પ્રજા એ એમ પણ ઉમેર્યું હતું કે, અલગ અલગ વયના ખૂબ જ ઉમદા ગાયક કલાકારોની જોરદાર ટક્કર પછી  રવિવારના રોજ સ્ટુડિયો સુરપંચમ ખાતે ઙ્કકરાઓકે સુપરસ્ટાર સીઝન -૧ સ્પર્ધા સેમિફાયનલ યોજવામાં આવેલ હતી. આ સેમી ફાઇનલ માં કુલ ૩૬ જેટલા કલાકારોએ ભાગ લીધેલ હતો જેમાંથી ૧૨ સિંગર મિત્રોને ફાયનલ માટે સિલેકટ કરવામાં આવ્યા છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, કરાઓકે સિંગર માટેની આ સ્પર્ધાને આંતરરાષ્ટ્રીય ગાયક કલાકાર બંકિંમ પાઠકજી, વોઇસ ઓફ મુકેશ  મુખ્તાર શાહજી સહિત નામાંકીત અગ્રણીઓ દ્વારા વધાવવામાં આવી છે. આ ઉપરાંત સેમિફાયનલમાં ગાયિકા  પાયલ વૈદ્ય એ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિતિ આપી સમગ્ર સ્પર્ધાને અને સ્પર્ધક કલાકારોના પ્રયત્નને બિરદાવ્યા હતા.

આ સમગ્ર સ્પર્ધામાં સિંગરોની કલા ને કસોટીની એરણ ઉપર ચકાસી તેમને નક્કી કરવાની કપરી અને સચોટ ભૂમિકા માટે નિર્ણાયક તરીકે ગુજરાતના ગીત અને સંગીત ના નામી હસ્તીઓ  નિકિતા શાહજી, સુદિપ મુખર્જીજી, યોગેન પારેખજી તથા દેવાંગી બ્રહ્મભટ્ટજી, નૌશાદ લાઈટવાલાજી, ઇરફાન દિવાનજીએ સેવાઓ આપી હતી.

શ્રી પ્રજા એ સેમિફાયનલ ના વિજેતાઓને જણાવ્યું હતું કે,કરાઓકે સુપરસ્ટાર ના સ્પર્ધકો ની ગાયકી ની અદભૂત પ્રસ્તુતિથી ગુજરાતના જાણીતા ફિલ્મ સંગીતકાર ખૂબ અચંબિત અને આનંદિત થયેલ છે અને આ સ્પર્ધામાં ફાયનલ માં વિજેતા થયેલ સિંગર મિત્રોને તેમના આગામી પ્રોજેકટ માં સિંગર તરીકે તક આપવાની પણ જાહેરાત કરી હતી.

આ જ પ્રકારે ગુજરાતી ફિલ્મોના સુભાષ ધાઈ તરીકે નું બિરૂદ ધરાવતા  શૈલેષ શાહ (પ્રિન્સ પાર્થ ફિલ્મ્સ) દ્વારા પણ વિજેતા કલાકારોને પોતાના આગામી ફિલ્મ તથા મ્યુઝિક આલ્બમ માં તક આપવાની જાહેરાત કરી હતી.

સુરપંચમ સ્ટુડિયોના યોગેન પારેખ તથા મિલેનિયમ ઇવેન્ટ ના નીરજ ગજ્જરે જણાવ્યું હતું કે આગામી તા.૧૧ જુલાઈના રોજ યોજાનાર ફાયનલ માં પ્રવેશેલ ગાયક મિત્રો તેમનું પરફોર્મન્સ વધુ સારૂ આપી શકે તે માટે આગામી શુક્રવાર તથા શનિવારે કોઈપણ ચાર્જ લીધા વગર ખાસ ટ્રેનિંગ સેશન પણ રાખેલ છે.

ગુજરાતના તમામ સિંગર મિત્રો, આયોજકો અને સંગીત પ્રેમીઓની નજર હવે આગામી ફાયનલ ઉપર મંડાઈ છે અને કાગડોળે રાહ જોઈ રહ્યા છે.

(11:34 am IST)