Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

લોઠડા ગામમાં ક્રેટા કાર સામે હોન્ડા સીટી અથડાતા કોટડા સાંગાણીના મદતઅલી જેઠાણીનું મોતઃ બે પુત્રોનો બચાવ

રાજકોટ કામ સબબ આવ્યા હતાં: પરત જતી વખતે રાતે સવા દસેક વાગ્યે બનાવઃ પરિવારમાં માતમઃ સામેની કારના ચાલકને પણ ઇજા : મૃતકનો એક પુત્ર મોહસીન આફ્રિકાના કિન્સાસાથી હાલ વતન આવ્યો છેઃ તેની ફરિયાદ પરથી હોન્ડાસીટીના ચાલક કાલાવડના નાના વડાળાના જય મારકણા સામે કાર્યવાહી

તસ્વીરમાં અકસ્માત ગ્રસ્ત ક્રેટા કાર અને હોન્ડાસીટી કાર તથા મદતઅલી જેઠાણીનો નિષ્પ્રાણ દેહ અને તેમનો ફાઇલ ફોટો જોઇ શકાય છે

રાજકોટ તા. ૭: રાજકોટ-કોટડાસાંગાણી હાઇવે પર લોઠડા ગામમાં ખોડિયાર ઇલેકટ્રોનિક નામની દૂકાન સામે રાત્રીના સવા દસેક વાગ્યે રાજકોટથી કોટડા તરફ જઇ રહેલી ક્રેટા કાર સાથે સામેથી આવી રહેલી હોન્ડાસીટી કાર અથડાતાં કારમાં બેઠેલા કોટડા સાંગાણીના ખોજા પ્રોૈઢનું ગંભીર ઇજા થતાં મોત નિપજ્યું હતું. જ્યારે તેમના કારચાલક પુત્ર અને સાથે બેઠેલા બીજા પુત્રનો નજીવી ઇજા સાથે બચાવ થયો હતો. સામેની કારના ચાલકને પણ ઇજા પહોંચી હતી.

જાણવા મળ્યા મુજબ કોટડા સાંગાણીમાં  રહેતાં અને ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતાં મદતઅલી કરમાલી જેઠાણી (ખોજા ઇસ્માઇલી મુસ્લિમ) (ઉ.વ.૫૮) ગઇકાલે બે પુત્રો અલનવાઝ (ઉ.વ.૨૮) અને મોહસીન (ઉ.વ.૨૬) સાથે રાજકોટ કામ સબબ આવ્યા હતાં. અહિથી પરત રાજકોટ પોતાની ક્રેટા કાર જીજે૦૩એલબી-૭૦૪૭માં બેસી કોટડા તરફ જવા રવાના થયા હતાં. એ વખતે કાર મોહસીન ચલાવતો હતો.

રાતે સવા દસેક વાગ્યે લોઠડા ગામમાં પહોંચ્યા ત્યારે સામેથી હોન્ડા સીટી કાર જીજે૦૩સીઆર-૩૩૦૨ પુરઝડપે આવી હતી અને મોહસીનની ક્રેટા કાર સાથે અકસ્માત સર્જતા મોહસીનને બંને પગે મુંઢ ઇજા થઇ હતી, તેમના ભાઇ અલનવાઝને માથામાં મુંઢ ઇજા પહોંચી હતી. જ્યારે પિતાજી મદતઅલી જેઠાણીને માથા, પેટમાં તેમજ છાતીના ભાગે પાંસળીઓમાં ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તબિબોના અથાક પ્રયાસો છતાં જીવ બચી શકયો નહોતો.

બનાવની જાણ થતાં આજીડેમ પોલીસ મથકના હેડકોન્સ. એમ. ડી. પરમાર સહિતે ઘટના સ્થળે અને હોસ્પિટલે પહોંચી મોહસીન જેઠાણીની ફરિયાદ પરથી હોન્ડાસીટી કારના ચાલક કાલાવડના નાના વડાળા ગામે રહેતાં જય હસમુખભાઇ મારકણા સામે ગુનો નોંધ્યો હતો. તેની કારમાં પણ ત્રણ-ચાર લોકો હતાં. જેમાંથી એકાદને ઇજા પહોંચી હતી.

મૃત્યુ પામનાર મદતઅલી જેઠાણીને સંતાનમાં બે પુત્ર છે. પોતે ડ્રાઇવીંગ કામ કરતાં હતાં. નાનો પુત્ર મોહસીન હાલ આફ્રિકાના કિન્સાસા સીટી કોંગો દેશમાં રહી પ્રાઇવેટ નોકરી કરે છે. હાલ તે કોટડા સાંગાણી ખાતે બેંક ઓફ બરોડાવાળી શેરીમાં આવેલા પોતાના પરિવારના અમીધારા નામના મકાને રહે છે. બનાવને પગલે ખોજા પરિવારમાં માતમ છવાઇ ગયો છે.

(10:56 am IST)