Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

કચ્છના મુન્દ્રા સાડા ૬ ઇંચ, માંડવીમાં ૫ ઈંચ વરસાદ સાથે મેઘરાજાની ધુંવાધાર ફટકાબાજી

નખત્રાણા, ગાંધીધામ, અંજાર, અબડાસા, લખપત, ભુજમાં ધીમીધારે ક્યાંક ઝાપટા તો ક્યાંક ધોધમાર, ભચાઉ, રાપરમાં પોરો ખાધો

ભુજ : ગઈકાલે પૂર્વ કચ્છ પછી આજે મેઘરાજા પશ્ચિમ કચ્છમાં રિઝયા છે. તેમાંયે મુન્દ્રા અને માંડવીના કાંઠાળ  વિસ્તારમાં મેઘરાજા મન મુકીને વરસ્યા છે. આજે મુન્દ્રામાં મેઘરાજાએ ધમાકેદાર ફટકાબાજી કરી માત્ર ચાર કલાકમાં જ ૭ ઇંચ વરસાદ વરસાવી દીધો હતો. તાલુકાના ગ્રામ્ય વિસ્તારની નાની મોટી નદીઓ બે કાંઠે વહેતી થઈ ગઈ હતી. તો, માંડવીમાં આજે પાંચ ઇંચ વરસાદ સાથે મેઘરાજાએ વધુ વ્હાલ દર્શાવ્યું હતું.

   મુન્દ્રા માંડવી બન્ને તાલુકાઓને જોડતા ગ્રામ્ય વિસ્તારો જળબંબોળ બની ગયા હતા. ત્યારબાદ મેઘરાજાએ કોરા રહેલા તાલુકાઓ નખત્રાણામાં દોઢ ઇંચ, અબડાસા, લખપતમાં પોણો ઇંચ વરસાદ સાથે એન્ટ્રી કરી છે. જોકે, હજીયે વરસાદી માહોલ વચ્ચે ઝરમર ઝરમર વરસાદ ચાલુ છે. ભચાઉ અને રાપરમાં મેઘરાજાએ આજે પોરો ખાધો છે. જ્યારે કચ્છના ત્રણ મોટા શહેરો ભુજ, અંજાર, ગાંધીધામમાં ભારે મેઘાડંબર વચ્ચે ગાજયા મેઘ વરસ્યા નથી, ત્રણે શહેરોમાં છૂટો છવાયો પોણો ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. જોકે, ભુજની પટેલ ચોવીસીના ગામોમાં તેમ જ અબડાસાના જખૌની કાંઠાળ પટ્ટીના ગામો ઉપરાંત કંડલામાં સારા વરસાદના વાવડ છે.

(6:57 pm IST)