Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

જામનગરનો રણજીતસાગર - સસોઇ ડેમ ઓવરફલો

રંગમતી નદી બે કાંઠે : દરેડના ખોડીયાર મંદિરની ધજા સુધી પાણી પહોંચી ગયુ

તસ્વીરમાં રણજીતસાગર ડેમ, સસોઇ ડેમ ઓવરફલો, શ્રી ખોડિયાર મંદિરમાં પાણી ઘુસી ગયા હતા તે તસ્વીરોમાં નજરે પડે છે. (તસ્વીર : કિંજલ કારસરીયા, જામનગર)

જામનગર તા. ૭ : જામનગર : શહેર અને જિલ્લામાં સર્વત્ર ધોધમાર વરસાદ પડતા નદી, નાળા, ડેમમાં નવા નીર આવ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં જામનગર જિલ્લાના કાલાવડમાં ૧૫.૪૩ ઇંચ, જામનગરમાં ૯.૨ ઇંચ, લાલપુરમાં ૮.૭ ઇંચ, ધ્રોલમાં ૮.૧ ઇંચ જોડિયામાં ૭.૬ ઇંચ અને જામજોધપુરમાં ૩.૮૯ ઇંચ વરસાદ પડયો છે આજે સવારે જામનગર સહિત અનેક વિસ્તારોમાં હળવો ભારે વરસાદ વરસ્યો છે.

જામનગરની જીવાદોરી સમાન રણજીતસાગર ડેમ ગઇકાલ મોડી રાત્રે ઓવરફલો થયો છે. રાજાશાહી વખતના રણજીતસાગર ડેમની ૨૭ ફુટની ઉંચાઇ છે. ૩૮.૭૨ મીટર રિઝર્વ લેવલ અને ૮૯૭ એમસીએફટી પાણી સમાય તેવી કેપેસિટી ધરાવતો આ ડેમ હાલ થયો છે ત્યારે રણજીત સાગરનો આહ્લાદક નજારો લોકોના મન મોહી લે તેવો જોવા મળ્યો હતો.

જામનગરની ભાગોળે આવેલ દરેડના ખોડીયાર મંદિર આસપાસ પાણી ભરાયા હતા. ખોડીયાર મંદિરની ધ્વજા સુધી ધીમે-ધીમે પાણીનું વહેણ પહોંચી રહ્યું છે.

જામનગર શહેરમાં પડેલા ભારે વરસાદને લઇને હાલ રંગમતી નાગમતી નદી બે કાંઠે થઇ છે ત્યારે નદીના પટ્ટ અને વ્હોરાના હજીરા વિસ્તારમાં પાણી પાણી થઇ ગયું છે અહીંથી લોકોની અવર-જવર પણ ઠપ્પ થઇ ગઇ છે. જામનગરનો સસોઇ ડેમ ઓવરફલો થયો હતો. તેને જોવા પણ લોકો ઉમટી પડયા હતા.

(1:09 pm IST)