Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

જામનગરવાસીઓનો કોરોના સામેની લડાઇમાં સહયોગ માંગતા જિલ્લા પ્રભારી સચિવ પટેલ

સચિવશ્રીએ પત્રકારો સાથે સંવાદ યોજી જીલ્લાની કોરોનાની કામગીરીની સમીક્ષા પણ કરીઃ સંતોષ વ્યકત કર્યો

જામનગર, તા.૭:જામનગરમાં સતત વધતા કોરોનાના કેસને ધ્યાને લઇ જામનગરના પ્રભારી સચિવ તથા રાજયના મહેસૂલ તપાસણી કમિશનર એસ. એમ. પટેલ જામનગર જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. જેમાં તેમણે જી.જી.હોસ્પિટલ, અર્બન હેલ્થ સેન્ટર, ધન્વંતરી રથની મુલાકાત તેમજ શહેરના વિવિધ કન્ટેન્મેન્ટ ઝોનની મુલાકાત લઇ તંત્ર દ્વારા કરવામાં આવતી કામગીરીની સમીક્ષા કરી હતી.

પ્રભારી સચિવશ્રીએ પત્રકારો સાથે પણ પરિસંવાદ સાધ્યો હતો જેમાં તેમણે જણાવ્યું હતું કે, જામનગરમાં આરોગ્ય વિભાગની કામગીરી ખૂબ સારી રહી છે. સર્વેલન્સ, ચેકઅપ ખૂબ જ સારી રીતે કરવામાં આવી રહ્યું છે, જેના કારણે હાલમાં પોઝિટિવ કેસોની સંખ્યામાં સ્થિરતા જોવા મળી છે પરંતુ જામનગરની જનતા તેનો અર્થ એમ ના લે કે આ પરિસ્થિતિથી ફરી જૂની રીતભાત મુજબ રહેવાનું છે. કોરોનાની મહામારી હજી પૂર્ણતઃ મટી નથી, અનલોકમાં અન્ય વધુ સંક્રમિત વિસ્તારોમાંથી ઘણા લોકો જામનગરમાં આવ્યા છે અને સાથે જ અનલોક૨.૦ લોકોને સામાન્ય જીવન એટલે કે આર્થિક પ્રવૃત્ત્િ।ઓ સામાન્યતઃ થાય તે માટે કરવામાં આવ્યું છે, પરંતુ જોવા મળ્યું છે કે ઘણા લોકો રેસ્ટોરન્ટ, પાનની દુકાન ઉપર, ચા ના સ્ટોલ પર એકઠા થાય છે, માસ્ક પહેરેલા હોતા નથી અને સાથે જ સોશિયલ ડિસ્ટંસનો પણ ખ્યાલ તેઓ રાખતા નથી. આવા લોકો સંક્રમણ ફેલાવનારા સાબિત થાય છે.

આ પ્રકારની બેદરકારી અનેક લોકોને નુકસાન કરે છે ત્યારે ખાસ ૬૫ વર્ષથી વધુની ઉંમરના સીનીયર સીટીઝન કે ડાયાબિટીસ, હૃદયની, હાઇપર ટેન્શન જેવી તકલીફો ધરાવતા લોકો કે દસ વર્ષથી નાના બાળકો, સગર્ભાઓએ તો હજી પણ બહાર નથી નીકળવાનું. જો તેઓ આવું કંઈ પણ કરે છે તો તેઓ પોતાના જીવને જોખમમાં મુકી રહ્યા છે.

જામનગરમાં લોકોની સારવાર માટે આરોગ્યનું આંતરમાળખું ખૂબ ક્ષમતાપૂર્ણ છે પરંતુ કોઈ પણ ક્ષેત્રની ક્ષમતા અમર્યાદિત નથી હોતી ત્યારે આ કોરોના સંક્રમણને અટકાવવા માટે લોકોનો સહયોગ ખૂબ જરૂરી છે. સમયાંતરે હાથ ધોતા રહેવા, માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટંસના પાલન આ ત્રણ પ્રકારના નિયમોથી લોકો આ સંક્રમણથી બચી શકે છે. વળી અનલોકમાં ચાલુ થયેલ વ્યાપારો, ઉદ્યોગો કે અન્ય કોઈ પણ આર્થિક પ્રવૃત્ત્િ।ઓના માલિકો પણ એનો ખાસ ખ્યાલ રાખે કે તેમની દુકાન, તેમના ઉદ્યોગમાં કે તેમના ઓફિસમાં વધુ લોકો એકઠા ન થાય, સાવચેતી રાખે. સાથે જ વર્ષાઋતુની શરૂઆત થઈ ગઈ છે અને ખૂબ સારા વરસાદથી હવે અનેક જગ્યાઓ પણ પાણી ભરાવાની પણ શરૂઆત થશે ત્યારે લોકો ડેન્ગ્યુ, મેલેરિયાથી બચવા માટે પણ પાણીનો યોગ્ય રીતે નિકાલ કરે અને જવાબદારીપૂર્વક વર્તે તેવી પ્રભારી સચિવશ્રીએ અપીલ કરી હતી.

આ સમયે કલેકટર રવિશંકરે પણ જામનગરની કોવિડની પરિસ્થિતિ અંગેની વ્યવસ્થાઓ બાબતે ચિતાર આપતા જણાવ્યું હતું કે, જી.જી.હોસ્પિટલમાં ૭૦૦ પેશન્ટ સુધીની વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં ૧૦૦  વેંટીલેટર સાથેની વ્યવસ્થા શકય છે તો ૪૦૦ બેડ ઓકિસજન સાથે તૈયાર કરી શકાશે એવી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. તદુપરાંત જો ૭૦૦ પેશન્ટ જેટલા કેસ વધે તો ૭૦ રેસિડન્ટ ડોકટર, ૯ કન્સલટન્ટ, ૨૨૦ નર્સિંગ સ્ટાફ અને ૨૫૦ સફાઈ કર્મચારીઓની તૈયારી પણ તંત્ર દ્વારા કરવામાં આવી છે. આ સાથે જ કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે, હાલમાં કોરોના પોઝિટિવ આવેલા કેસમાં ૧૩% કેસ ૬૦ વર્ષથી ઉપરના વયજુથના છે જેમાં એક કેસ ૯૩ વર્ષની ઉમરનો પણ છે. સાથે જ ૫૦ વર્ષથી ઉપરના વયજૂથના ૩૩ % કેસ છે ત્યારે લોકો સાવચેત રહેવા અપીલ કરી હતી. ઉપર વધુ જોવા મળે છે.

જામનગરમાં હાલ સુધીમાં ૧૪૦૦૦ જેટલા લોકોને સોશિયલ ડિસ્ટંસ અને માસ્કના પાલન ન કરવા બદલ દંડ કરવામાં આવ્યો છે જેમાંથી ૨૮ લાખથી વધુનો દંડ તંત્ર પાસે એકત્રિત થયો છે, આમ છતાં લોકો બેદરકારીપૂર્વક વર્તન કરી રહ્યા છે. નાના બાળકોને લઈને કારણ વગર બહાર નીકળતા જોવા મળી રહ્યા છે. આ અંગે એસ.પી.શ્રી શરદ સિંદ્યલએ કહ્યું હતું કે, સંક્રમણને રોકવા રોજ ૧૦૦૦ થી વધારે માસ્કના કેસ થઈ રહ્યા છે, આમ છતાં લોકોમાં સમજદારીનો અભાવ જોવા મળી રહ્યો છે. લોકો જાતે જવાબદારી નિભાવી લોકડાઉનમાં જેમ સહકાર આપ્યો હતો તેમ અનલોકમાં પણ આપે.

વર્ષાઋતુ સાથે મચ્છરના ઉપદ્રવની શકયતા વધી જાય છે, ત્યારે જાગૃતી દાખવવા જામનગરના કમિશનરશ્રી સતીષ પટેલે અનુરોધ કર્યો હતો

આ પરિસંવાદમાં નિવાસી અધિક કલેકટરશ્રી રાજેન્દ્ર સરવૈયા, જામનગરના ઈલેકટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાના સર્વે પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા.

(11:49 am IST)