Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

ભચાઉ-૬, અંજાર, ગાંધીધામ-૩, રાપરમાં બે ઇંચ

ભુજના હમીરસર તળાવમાં આવકઃ મુંદ્રા, ભુજ-૧ થી ૨ ઇંચઃ માંડવી, અબડાસા બન્નીમાં ૦llથી ૧ll ઇંચ વરસાદ : કચ્છમાં પણ ધીમી ધારે વરસાદનું જોર યથાવત

ભુજ,તા.૭: આગાહી વચ્ચે કચ્છમાં ધીમી ધારે મેઘરાજાની મહેર ચાલુ રહી છે. ગઈકાલ સવારથી ભુજમાં ઝરમર ઝરમર વરસાદ પછી રાત્રે ભુજ ઉપરાંત આજુબાજુના ગામોમાં આખી રાત ધીમી ધારે વરસાદ ચાલુ રહેતા ભુજના હમીરસર તળાવમાં નવા નીર આવવાની શરૂઆત થઈ ગઈ છે. ભુજના મોટા બંધમાં ધીમી ધીમી પાણીની આવક સાથે હમીરસર તળાવ ભરાવવાની શરૂઆત થઈ છે. જોકે, જે પ્રમાણે ડોળ અને માહોલ છે તે પ્રમાણે હજી ભુજમાં વરસાદ નથી. ખાસ કરીને પૂર્વ કચ્છના કાંઠાળ વિસ્તારમાં વરસાદની અસર વધુ રહી છે.

ભચાઉ પંથકમાં ૬ ઇંચ વરસાદ પડી ગયો છે. તો, ગાંધીધામ અને અંજારમાં ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે. જોકે, પશ્યિમ કચ્છના કાંઠાળ વિસ્તારમાં વરસાદની અસર ઓછી રહી છે. મુન્દ્રામાં એક ઇંચ વરસાદ પડ્યો છે. તો, અબડાસા અને હાજીપીર બન્ની વિસ્તારમાં છૂટો છવાયો અડધાથી દોઢ ઈંચ વરસાદ નોંધાયો છે. લખપત, નખત્રાણામાં સાવ ઝરમર ઝરમર વરસાદ છે. જોકે, તે વચ્ચે રાપરમાં બે ઇંચ અને ભુજ શહેરમાં અને આજુબાજુના ગ્રામીણ વિસ્તારમાં છૂટો છવાયો એક થી બે ઇંચ વરસાદ પડ્યો છે. હજીયે સમગ્ર કચ્છ ઉપર આકાશ કાળા ડિબાંગ વાદળો દ્યેરાયેલા હોઈ વરસાદ ઝંખી રહેલા કચ્છ જિલ્લામાં જબરદસ્ત વરસાદી માહોલ સર્જાયો હોઈ લોકોમાં ભારે વરસાદની આશા છે.

આગાહી વચ્ચે કચ્છના આકાશમાં કાળા ડિબાંગ વાદળો સાથેનો મેધાડંબરનો માહોલ છે. પણ, ઘેરાયેલા વાદળો વચ્ચે કચ્છમાં ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે.

(11:34 am IST)