Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

વિદ્યાનગરમાં બસ સ્ટેન્ડ લવર્સ પોઇન્ટ બન્યું હોવાની ચર્ચાથી અરેરાટી

વલ્લભવિદ્યાનગર:નું બસ મથક છેલ્લા ઘણાં સમયથી પ્રેમી-પંખીડાઓ માટે લવર્સ પોઈન્ટ બન્યું હોવાની ચર્ચાઓ શિક્ષણનગરીમાં ટોક ઓફ ધી ટંગ બની છે. સાંજ ઢળતા જ બસ મથકમાં યોગ્ય લાઈટોના અભાવે અંધકાર છવાઈ જતા કેટલાક પ્રેમી-પંખીડાઓ આ સ્થળે બેસીને લોકલાગણી દુભાય તેવા ચેનચાળા કરતા હોય છે. સઘન પેટ્રોલીંગના બગણાં ફુકતી સ્થાનિક પોલીસ પણ આ મામલે સાવ નિષ્ક્રિય હોવાનો રોષ જાગૃતોએ વ્યક્ત કર્યો છે ત્યારે તંત્ર દ્વારા આ વિસ્તારમાં સઘન પેટ્રોલીંગ હાથ ધરવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે.
આણંદ પાસેનું વિદ્યાનગર વિદ્યાધામ તરીકે જાણીતું છે. દુર-દુરના સ્થળોએથી વિદ્યાનગર ખાતે અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓ અત્રેની વિવિધ હોસ્ટેલો તેમજ રૃમો ખાતે વસવાટ કરે છે. જો કે અભ્યાસ અર્થે વિદ્યાનગર ખાતે આવતા વિદ્યાર્થીઓમાં છેલ્લા ઘણાં સમયથી અનેક પ્રકારની બદીઓએ પગપેસારો કર્યો છે.
નગરનું શાસ્ત્રી મેદાન પ્રેમી-પંખીડાઓ માટે મીટીંગ પોઈન્ટ બન્યું હોવાનો મત જાગૃતોએ વ્યક્ત કર્યો છે ત્યારે હાલમાં જ નવનિર્માણ પામેલ વલ્લભવિદ્યાનગરનું બસ મથક પણ સાંજ ઢળતાં જ આવા પ્રેમીપંખીડાઓ માટે આશ્રયનું સ્થાન બન્યું હોવાનો તેમજ આ સ્થળે અંધારામાં બેસી આવા પ્રેમીપંખીડાઓ જાહેરમાં બિભત્સ ચેનચાળા કરતા હોવાથી અત્રેથી પસાર થતા લોકોને શરમથી માથુ નીચુ કરી પસાર થવાની ફરજ પડતી હોવાનો રોષ સ્થાનિકો દ્વારા વ્યક્ત કરાયો છે.

(4:49 pm IST)