Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

૩૦ વર્ષથી જાહેર જીવનમાં છુ, હવે હું જસદણ-વિંછીયા વિસ્તારનાં વિકાસ કાર્યો માટે ભાજપમાં જોડાયો છુઃ કુંવરજીભાઇ બાવળીયા

જસદણ તા. ૭ :.. શહેર ભાજપ દ્વારા ભાજપ કાર્યાલય કમલમ જસદણ ખાતે કેબીનેટ મંત્રી બનવા બદલ કુંવરજીભાઇ બાવળીયાનો અભિવાદન સમારોહ  યોજાયો હતો.

આ પ્રસંગે બોલતા પાણી પુરવઠા, ગ્રામ ગૃહ નિર્માણ અને પશુપાલન મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ નિખાલસભાવે જણાવ્યું હતું કે ત્રીસ વર્ષનું મારૂ જાહેર જીવન છે અને હવે  હુ આ વિસ્તારના વિકાસ માટે ભાજપમાં જોડાયો છું ચૂંટણીના મતભેદ ભુલીને ભાજપ માટે કામે લાગી જવા અનુરોધ કર્યો હતો.

જસદણ-વિંછીયા વિસ્તાર માટે પાણીની વિવિધ યોજનાઓ બનાવવા માટે પાણી પુરવઠા બોર્ડના ઉચ્ચ અધિકારીઓને દશ દિવસમાં પ્રોજેકટ રીપોર્ટ તૈયાર કરવા જણાવ્યું હોવાનું કુંવરજીભાઇએ વકતવ્યમાં જણાવ્યું હતું. કેબીનેટ મંત્રી અમારા છે તેવું કહી સત્તાનો અતિરેક નહી કરવાનું કાર્યકરોને જણાવ્યું હતું. જસદણ-આટકોટ રોડ નવો બનાવવા સહિતના વિકાસ કાર્યો માટે તેમણે આયોજન કર્યુ હોવાનું જણાવ્યું હતું. જસદણ પંથકના કોઇ પણ પ્રશ્નો માટે ગાંધીનગર ખાતે તેમના દ્વાર હંમેશા ખુલા હોવાનું કહયું હતું.

આ પ્રસંગે પુર્વ ધારાસભ્ય અને જિલ્લા ભાજપ મહામંત્રી ડો. ભરતભાઇ બોઘરાએ જણાવ્યું કે ભુતકાળમાં ભાજપની જીત માટે થોડુ ઘટતુ હતુ હવે કુંવરજીભાઇ ભાજપમાં જોડાતા બધુ સમરસ થઇ ગયું છે. જ્ઞાતિ - જાતીનું રાજકારણ બંધ કરી વિકાસનું રાજકારણ કરવાનું જણાવતા ડો. બોઘરાએ ઉમેર્યુ હતું કે આગામી પેટા ચૂંટણીમાં ભાજપના હરીફ  ઉમેદવારને પચીસ  હજાર કરતા વધુ મત મળવા જોઇએ નહી અને ભાજપને ઐતિહાસીક લીડ મળવી જોઇએ કે વડાપ્રધાન જસદણ આવે. આ પ્રસંગે યાર્ડના પુર્વ ચેરમેન પોપટભાઇ રાજપરા, જસદણ ભાજપ પ્રમુખ ધીરૂભાઇ ભાયાણી, પ્રેમજીભાઇ રાજપરા, ચંદુભાઇ કચ્છી, રાજવી સત્યજીતકુમાર ખાચર, અશોકભાઇ મહેતા, હરેશભાઇ હેરભા, ધીરૂભાઇ રામાણી, અસરફભાઇ ખીમાણી, ધનજીભાઇ ભુવા, નગર પાલીકા પ્રમુખ જીગ્નેશભાઇ હીરપરા, પુર્વ પ્રમુખ રમાબેન મકવાણા મહિલા ભાજપના ચાંદનીબેન વેકરીયા મધુભાઇ છાયાણી અશોકભાઇ ગાંધી, વિઠલભાઇ સખીયા, અનીલભાઇ મકાણી, અલાઉદીનભાઇ ફોગ, ભરતભાઇ છાયાણી સહીતના ભાજપના હોદેદારો, કાર્યકરો આગેવાનો ઉપસ્થિત રહયા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભરતભાઇ ધારૈયાએ કર્યુ હતું . ખોડાભાઇ ખસીયા, અશોકભાઇ મહેતા સહીતનાએ અસરકારક વકતવ્ય આપ્યું હતું. કુંવરજીભાઇને મંત્રી મંડળમાં સ્થાન મળતા લોકોએ અભીવાદન કર્યુ હતું.

(12:49 pm IST)