Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

ભાવનગર-બોરતળાવના ઉપરવાસના ગામોમાં પ ઇંચ વરસાદ

રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં કયાંય-કયાંક હળવા ભારે ઝાપટા : મિશ્ર હવામાન યથાવત

રાજકોટ, તા. ૭ : રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં સર્વત્ર મેઘવિરામ વચ્‍ચે હળવો-ભારે વરસાદ વરસી જાય છે ત્‍યારે ભાવનગરના બોરતળાવના ઉપરવાસ ગામોમાં પ ઇંચ જેટલો વરસાદ ખાબકતા બોરતળાવમાં નવા નીરની આવક થઇ છે.

ભાવનગર

ભાવનગર : શહેરના બોરતળાવના ઉપરવાસ ગામોમાં પ ઇંચ જેટલો વરસાદ ખાબકતા બોરતળાવની સપાટી ર૪.૭ ફુટને આંબી ગઇ છે.

ભાવનગર શહેરમા ગૌરીશંકર સરોવર (બોરતળાવ) ના ડયમેન્‍ટ એરિયા નાના ખોખરા, ખાટડી, ખરકડી, દેવગણા, અગીયાળી, સમઢીયાળા, ભકડી, શાખપરા કણકોટ, પાલડી સહિતના ગામોમાં ગઇરાત્રે ધોધમાર વરસાદ તૂટી પડયો હતો અને પાંચ ઇંચ જેટલો વરસાદ ખાબકી જતા બોરતળાવમાં પાણીની આવક શરૂ થઇ હતી.

બોરતળાવમાં ૯.૭ ફુટના નવા નીરની આવક થતાં બોરતળાવની સપાટી ર૪.૭ ફુટે પહોંચી ગઇ છે. પ્રથમ વરસાદમાં જ બોરતળાવમાં પાણીની સારી આવક થતા ભાવનગરવાસીઓમાં આનંદની લાગણી ફેલાઇ છે. ભાવનગરના મેયર, ડે.મેયર, ચેરમેન, વિપક્ષ નેત સહિતના રાજકીય અગ્રણીઓ બોરતળાવ દોડી ગયા હતાં.

તળાજા

ભાવનગરઃ તળાજા શહેર પંથકમાં દિવસભર ધૂપ-છાંવ અને ઉઘાડ જેવા વાતાવરણ બાદ આજે રાત્રીના સમયે બદલાયેલા અચાનક વાતાવરણને લઇ ધોધમાર વરસાદી ઝાપટુ વરસી ગયું હતું.

તળાજા શહેર પંથકમાં છેલ્લા ચાર દિવસ દરમિયાન વરસેલા વરસાદના પગલે વાવણીકાર્ય શરૂ થયું છે જે ખેડૂતોએ આગતર વાવણી કરી હતી તેમના કેટલાકને વરસાદના કારણે ફાયદો થયો છે.

કાલે અને આજ આખો દિવસ ધૂપ-છાંવ વચ્‍ચે કારોધાકોર ગયો પરંતુ સાંજ ઢળ્‍યા બાદ ચઢી આવેલા કાળાડીબાંગ વાદળો વચ્‍ચે વિજળી લબકારા માંડવા લાગી હતી.

અચાનક વાતાવરણમાં બદલાવ સાથે ૮-૪પ કલાકે રાત્રે ધોધમાર કહી શકાય તેવું ઝાપટું વરસી જતા રસ્‍તા પર પાણી દોડવા લાગ્‍યા હતાં. ઠંડો પવન ફુંકાવા લાગતા બફારામાંથી રાહત અનુભવાઇ હતી.

ભાવનગર શિહોરમાં પોણો ઇંચ

ભાવનગર જીલ્લામાં વરસાદી માહોલ બંધાઇ રહ્યો છે. ભાવનગર શહેર અને શિહોરમાં પોણા ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. શહેરમાં ચિત્રા અને બાજુના પાંચ-છ ગામોમાં ૪ થી પ ઇંચ વરસાદ પડયો છે.

છેલ્લા ર૪ કલાક દરમ્‍યાન ભાવનગરમાં ૧૯ મીમી, શિહોરમાં ર૦ મીમી , ઘોઘા અને વલ્લભીપુરમાં ર-ર મીમી અને તળાજામાં ૩ મીમી વરસાદ નોંધાયો છે.

(11:51 am IST)