Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

જોડિયાના નવા જીરાગઢમાં માલધારી સમાજ દ્વારા શ્રી રામદેવપીર મંદિરનું ખાતમુહૂર્ત કરાશે

રાજકોટ તા.૭ : જોડીયા તાલુકામાં  જૂનુ જીરાગઢ ગામ આજી - ૪ જળાશય બનવાના કારણે ડૂબમાં જતુ હોવાથી ગામનું સ્થળાંતર કરીને નવા જીરાગઢ ગામ વસાવવામાં આવેલ છે. આ જૂના જીરાગઢ ગામમાં જામનગર પંથકના માલધારી સમાજના જીરાગઢ, જશાપર, લતીપર ગામ સહિત ભીમાબાપા ગમારા પરિવારના આસ્થાના દેવ શ્રી રામદેવપીર બીરાજી રહેલ છે. આ રામદેવપીરનું પૌરાણિક મંદિર છે. આ રામદેવપીર મંદિરનું નવા જીરાગઢ ખાતે ભરવાડ વાસમાં સ્થળાંતર કરવાનું હોવાથી નવુ શીખરબધ્ધ મંદિર બનાવવા માટે તા.૧૯ સવારે ૧૧-૩૦ કલાકે ખાતમુહુર્ત વિધિ રાખવામાં આવી છે.

આ શ્રી રામદેવપીર મંદિરના ખાતમુહુર્ત વિધિના મુખ્ય મહેમાન તરીકે બેડ ગામની શ્રી મૂળવાનાથની જગ્યાના મહંત શ્રી રઘુબાપા બિરાજશે.

આ પ્રસંગે મોરબીની શ્રી મચ્છો માતાજીની જગ્યાના મહંત શ્રી ગાંડૂભગત અને કેરાળીની શ્રી ઠાકરબાપાની જગ્યાના મહંત શ્રી કિશન ભગત આર્શિવાદ આપવા પધારશે.

આ શ્રી રામદેવપીર મંદિરના ખાતમુહુર્તના કાર્યક્રમમાં ગમારા પરિવાર સહિત માલધારી સમાજના મોટી સંખ્યામાં ભાઇ બહેનોને ઉપસ્થિત રહેવા કાનાભાઇ ગમારા, અમરાભાઇ ગમારા, મંગાભાઇ ગમારા, હિરાભાઇ ચૌહાણ, બાબુભાઇ ચૌહાણ, ચનાભાઇ ગોહિલ વગેરેએ અનુરોધ કરેલ છે.

(11:50 am IST)