Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

ખારેક ચાખતી વેળાએ મ્હોંમાં મધમાખી ઘુસી જતા માંડણકુંડલાના આધેડનું મોત

મોત કયારે અને કયાંથી ટપકી પડે તે નક્કી હોતુ નથી : ગોંડલનો બનાવ : ત્રણ સંતાનોએ પિતાની છત્રછાંયા ગુમાવતા વણકર પરિવારમાં અરેરાટી

ગોંડલ તા. ૭ : મોત કયારે અને કયાંથી ટપકી પડે તે નક્કી હોતુ નથી. આવા જ એક કિસ્સામાં મ્હોંમાં મધમાખી ઘુસી જતા માંડણકુંડલાના આધેડનું મોત થયું હતું.

મળતી વિગતો મુજબ તાલુકાના માંડણકુંડલા ગામે રહેતા અને છકડો રીક્ષા ચલાવી ઘર ગુજરાન ચલાવતા આધેડ રાઘવભાઇ ખીમભાઈ કોચરા ગોંડલ માંડવી ચોક ખાતે ખરીદી કરી રહ્યા હતા ત્યારે ખારેક ચાખવા મ્હોંમાં મૂકી હતી દરમિયાન મધમાખી પણ મ્હોંમાં ઘુસી જતા તેઓને બળતરા થવા લાગતા સારવાર માટે સરકારી દવાખાને પહોંચ્યા હતા, જયાં વધુ સારવારની જરૂર હોય ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા, ખાનગી હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલાં જ તેમનું મોત નીપજયું હોય ફરી તેમના મૃતદેહને પીએમ માટે સરકારી દવાખાને લાવવામાં આવ્યો હતો.

રાઘવભાઇ ને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી હોવાનું તેમના સગા સ્નેહીઓ એ જણાવ્યું હતું, ઘટના અંગેની તપાસ પોલીસે હાથ ધરી છે. રાઘવભાઈ ના મોત અંગેનું કારણ પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ બહાર આવશે. આ બનાવથી વણકર પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

(11:50 am IST)