Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

કચ્છ યુનિવર્સિટીમાં શાહી પ્રકરણ બાદ સેનેટની ચુંટણી રદ્દ

ભુજ તા. ૭ : શાહીકાંડ ને કારણે ચર્ચાનું કેન્દ્ર બનેલી કચ્છ યુનિવર્સિટીની સેનેટની ચૂંટણી અંતે રદ કરાઈ છે. કુલપતિ સી.બી. જાડેજાએ યુનિવર્સિટી એકટ ની કલમ ૧૧(૪) અને ૧૧(૬) હેઠળ અસામાન્ય સંજોગો ઉભા થયાના મુદ્દે પોતાની કુલપતિ તરીકેની સત્ત્।ા ની રૂએ ૨૨ જુલાઈના યોજાનારી ૬ સભ્યોની સેનેટની ચૂંટણી રદ કરી છે. અભાવિપ દ્વારા ચૂંટણી રદ કરવાના નિર્ણયને છાત્રોની જીત ગણાવી છે. ૬૦ ટકા થી યે વધુ છાત્રોના નામ મતદારયાદી માંથી નીકળી જતાં આ અભાવિપ દ્વારા વિરોધ પ્રદર્શન સાથે પ્રોફેસર ગીરીન બક્ષી ઉપર શાહી ફેંકાઈ હતી.

જે અંગે પોલીસ ફરિયાદ થઈ જેમાં ૫ છાત્રોની પોલીસે ધરપકડ કરી જેલ હવાલે કર્યા બાદ જામીન ઉપર છુટકારો થયો છે. અન્ય ૨૦ થી ૨૫ છાત્રો અને મુખ્ય સૂત્રધાર ભાર્ગવ શાહની ધરપકડ બાકી છે. કુલપતિ ના નિર્ણય ની સામે પૂર્વ સેનેટ સભ્ય અને કોંગ્રેસી નેતા રમેશ ગરવા, દિપક ડાંગર તેમ જ વિદ્યાર્થી આગેવાન યશપાલ જેઠવાએ આક્ષેપ કર્યો છે કે હાઇકોર્ટ માં કેવીયેટ હોવા છતાંયે કુલપતિ એ ચૂંટણી રદ કરીને કોર્ટની અવહેલના કરી છે. અમે આને કોર્ટમાં પડકારીશું.

માત્ર ૧૫૦૦ જેટલા મત ધરાવતી કચ્છ યુનિવર્સિટી ની ચૂંટણી જો સરકાર ન કરી શકતી હોય તો તે ઘટના શરમજનક છે. કચ્છ યુનિવર્સિટી ની સ્થાપના બાદ સેનેટ ની આ ત્રીજી ચૂંટણી છે અને રદ થઈ હોય તેવી પ્રથમ ચૂંટણી છે.

દરમિયાન ગુજરાત યુવા કોંગ્રેસ મંત્રી - કચ્છ યુનિવર્સિટીના પૂર્વ સેનેટ દિપક ડાંગર, પૂર્વ સેનેટ ડો. રમેશ ગરવા, વિદ્યાર્થી નેતા યશપાલસિંહ જેઠવા સહિતનાએ આ પ્રકરણમાં મુખ્યમંત્રીશ્રી રાજીનામુ આપે તેવી માંગણી કરી છે.

(11:49 am IST)