Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

ગોંડલ માર્કેટ યાર્ડની જમીન સંપાદન પેટે ખેડૂતોને રૂ.૧૪ કરોડ ચુકવવા કોર્ટનો હુકમ

૨૪ વર્ષ પહેલા સરકારે ખેડૂતોને જમીનનો ભાવ રૂ.૪૦ (એકમીટરના આપેલ) : ખેડૂતો કોર્ટના શરણે જતા કોર્ટે એક સ્કવેર મીટરના રૂ.૨૬૯.૦ મંજુર કર્યા. : જો કે ખેડૂતોની મૂળ માંગણી રૂ.૭૦૦ ની હતી જેથી ગોંડલ કોર્ટના ચુકાદાને હાઇકોર્ટમાં પડકારાશે.

ગોંડલ, તા.૭: સૌરાષ્ટ્રના અગ્રીમ ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડ માં ૨૪ વર્ષ પહેલા છ ખેડૂતોની જમીન સંપાદન કરવામાં આવી હોય જેઓને પૂરતી કિંમતના મળતા અદાલતના દ્વાર ખખડાવવામાં આવ્યા હતા જે અંગેનો કેસ ચાલી જતા છ ખેડૂતોને અંદાજે રૂ ૧૪ કરોડ ચૂકવવાનો હુકમ થવા પામ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલના નેશનલ હાઈવે ઉપર આવેલ એપીએમસી નવા માર્કેટિંગ યાર્ડ માં ૨૪ વર્ષ પહેલા સવજીભાઈ જેરામભાઈ વઘાસિયા, મોહનભાઈ જેરામભાઈ વઘાસિયા, જસમતભાઈ જેરામભાઈ વાઘસિયા, ધનજીભાઈ જેરામભાઈ વાઘસિયા, મહેન્દ્રભાઈ લાધાભાઈ સટોડીયા તેમજ ચંદુભાઈ ટપુભાઈ વિરોલીયા સહિતનાઓની આશરે ૫૨ વીઘા જેવી જમીન સંપાદન થવા પામી હતી અને તે સમયે ૧ મીટર જમીન ના ૪૦ માત્ર મંજૂર કરવામાં આવ્યા હોય ખેડૂતો દ્વારા ગોંડલ સિવિલ કોર્ટના દ્વાર ખખડાવવામાં આવ્યા હતા. લાંબી કાનૂની પ્રક્રિયા બાદ તાજેતરમાં જ ગોંડલ સિવિલ કોર્ટ દ્વારા ખેડૂતોની તરફેણમાં ચુકાદો આપી રૂ. ૨૬૯ એક સ્કેવર મીટર મંજુર કરી ૧૫ ટકા વાર્ષિક વ્યાજ સાથે આશરે રૂ ૧૪ કરોડ ચૂકવવા હુકમ કર્યો છે. આ કેસ અંગેની વધુ માહિતી આપતાં ખેડૂત પ્રદીપભાઈ વદ્યાસિયાએ જણાવ્યું હતું કે વાસ્તવમાં ખેડૂતો દ્વારા રૂ. ૭૦૦ મુજબ માંગ કરવામાં આવી હતી પરંતુ તે મુજબ મંજૂર ન કરાતા કેસ હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવ્યો છે, ગોંડલ કોર્ટના આદેશ મુજબ યાર્ડ તંત્ર દ્વારા હજુ પણ કોઈ તજવીજ હાથ ધરવામાં આવી નથી.

(11:47 am IST)