Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

દેશમાં નવી રોજગારીની તકોનું સર્જન કરવામાં કેન્દ્ર સરકાર તદન નિષ્ફળ

ચીનની ફાર્માસ્યુટીકલ ફેકટરીઓ બંધ થતાની અસર ભારતમાં પડશે : ચિંતા વ્યકત કરતા લાઠી-બાબરાના કોંગ્રેસના ધારાસભ્ય

અમરેલી તા.૭ : લાઠી-બાબરાના ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમરે જણાવ્યું હતુ કે, પર્યાવરણ સબંધી સમસ્યાઓના કારણે ચીનમાં એક પછી એક લાખો ફાર્માસ્યુટીકલ ફેકટરીઓ બંધ થઇ ચૂકી છે તેની ગંભીર અસર આગામી દિવસોમાં ભારતીય ફાર્માસ્યુટીકલ ઉદ્યોગ ઉપર પડયા વગર રહેશે નહી અને તેથી દેશમાં હાલ રોજગારીની જે ગંભીર સમસ્યા પ્રવર્તી રહેલ છે તે વધુ ગંભીર બનશે તેમા શંકાને કોઇ સ્થાન નથી.

શ્રી ઠુંમરે જણાવ્યું કે, વર્ષ ૨૦૧૪માં લોકસભાની ચુંટણી દરમિયાન દેશના કરોડો યુવાનોને રોજગારીના સોનેરી સપનાઓ દેખાડનાર મોદીજી દેશમાં નવી રોજગારીની નવી તકો સર્જન કરવામાં તદ્દન નિષ્ફળ નિવડયા છે એટલુ જ નહી મોદીજીએ તેના ચાર વર્ષના શાસનમાં આર્થિક સુધારાઓના નામે નોટબંધીનું પગલુ ભર્યુ અને ત્યારબાદ જીએસટીનુ ઉતાવળીયુ પગલુ ભરીને દેશના મેન્યુફેકચરીંગ ક્ષેત્રે જે મરણતોલ ફટકા માર્યા છે તેના કારણે દેશની નાના અને મધ્યમ કદની સંખ્યાબંધ ફેકટરીઓ બંધ પડતા દેશના લાખો યુવાનોના હાથમાંથી રોજગારી છીનવી લેવાનું મહાપાપ કર્યુ છે તેને આ દેશના યુવાનો કયારેય નહી ભૂલે.

શ્રી ઠુંમરે વધુમાં જણાવ્યું કે ફાર્માસ્યુટીકલ સેકટરના જાણકાર લોકોના જણાવ્યા મુજબ ચીનમાં ફાર્માસ્યુટીકલ ફેકટરીઓ બંધ થવાથી ભારતમાં દવાઓની અપૂર્તિ ઉપર તેની ઘણી મોટી અસર પડશે અને તેના કારણે દવાઓની કિંમતોમાં વધારો થઇ શકે છે જે ગરીબ અને મધ્યમ પરિવારના દર્દીઓની અને તેમના પરિવારની કમ્મર તોડી નાખશે.

શ્રી ઠુંમરે જણાવ્યું કે ભારતીય ફાર્માસ્યુટીકલ કંપનીઓ દવાઓ બનાવવા માટે ૮૫ ટકા એકટીવ ફાર્માસ્યુટીકલ ઇન્ગ્રેડીયન્ટસની આયાત ચીનમાંથી કરે છે તે જોતા આગામી દિવસોમાં ચીન ઉપર નિર્ભર ભારતીય ફાર્માસ્યુટીકલ કંપનીઓએ ઘણા જ વિપરીત સંજોગોનો સામનો કરવો પડે એવી સ્થિતિનું નિર્માણ થાય તે પહેલા મોદી સરકારે ભારતીય ફાર્માસ્યુટીકલ ઉદ્યોગનું રક્ષણ કરવા આવશ્યક તમામ પગલાઓ ભરવાની જરૂર છે. પરંતુ મને લાગે છે કે વિકટ સમય પસાર કરવામાં માનતી મોદી સરકારને પોતાની સતા ટકાવી રાખવામાં જેટલો રસ છે તેટલો રસ દેશના હિતોનું રક્ષણ કરવામાં કે દેશના ફાર્માસ્યુટીકલ ઉદ્યોગને રક્ષણ પુરૂ પાડવામાં રસ હોય તેમ જણાતુ નથી.

શ્રી ઠુંમરે વધુમાં જણાવ્યું કે છેલ્લા એક વર્ષમાં એન્ટી ડાયાબીટીક, કાર્ડોવસ્કુલર, સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, વિટામીન્સ અને એન્ટીબાયોટીકસ સહિત મોટાભાગની દવાઓ બનાવવામાં વપરાતો કાચો માલ મોંઘો થઇ ગયો છે અને સૌથી વધારે ભાવ વધારો કેન્સર સબંધી દવાઓમાં થયો છે. કેન્સરની દવાઓ માટે મહત્વની એપીઆઇ-પ ફલુરોસાઇટોસીન અને એચએમડીએસ મા ક્રમશ : ૬૦ અને ૪૮૪ ટકા જેટલો તોતીંગ વધારો થઇ ચૂકયો છે અને હજુ કેટલો વધારો થશે તે કોઇ કહી શકે તેમ નથી.

શ્રી ઠુંમરે અંતમાં જણાવ્યું કે, દિવસે ને દિવસે દેશનું અર્થતંત્ર જે રીતે ખરાબ થતુ જાય છે તે જોતા દેશની પ્રજાને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓનો ભાવ વધારો હોય કે જીવન રક્ષક દવાઓનો ભાવ વધારો હોય તે સહન કર્યે જ છુટકો છે.

(11:46 am IST)
  • દક્ષિણ ગુજરાતમાં દરિયાઇ પટ્ટામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે સાથે દરિયાકાંઠે વસતા માછીવારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચન કરાયું છે. ભારે આગાહી વચ્ચે વલસાડ, નવસારી, ડાંગ, તાપી, દમણમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે સાથે વરસાદી માહોલ વચ્ચે વલસાડ અને વાપી સહિતાના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે તોફાની વરસાદ શરૂ થયો હતો. બીજી તરફ અમેરલીના દામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સતત એક કલાક ધોધમાર વરસાદ ખાબક્યો હતો. વલસાડમાં 48 કલાકમાં ભારે વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે શનિવારે સાંજે ઘપમપુરમાં ત્રણ ઇંચ વરસાદ હતો. તો સુરતમાં ત્રણ કલાકમાં બે ઇંચ વરસાદ ખાબક્યો હોવાની માહિતી મળી હતી. આ સાથે આસપાસના વિસ્તારોમાં 1થી 2 ઇંચ વરસાદ પડ્યો હોવાની માહિતી મળી રહી છે. access_time 1:20 am IST

  • સુરેન્દ્રનગરમાં એ ડિવિઝનમાં ફરજ બજાવતા એએસઆઇ અને એક કોન્સ્ટેબલ રૂપિયા 10 હજારની લાંચ લેતા ACBએ રંગે હાથ ઝડપી પાડ્યા:બંનેએ પ્રોહિબિશનનો ગુનો દાખલ નહીં કરવા માટે લાંચ માગી હતી.:એસીબીના છટકામાં આબાદ સપડાયા access_time 1:32 am IST

  • ગુજરાતમાં નદી માર્ગે દારૂની રેલમછેલ : છોટાઉદેપુરના ખડલા ગામેથી ક્વાંટ પોલીસે ત્રણ બોટ સહિત મોટા પ્રમાણમાં વિદેશી દારૂ સાથે એક શખ્શને ઝડપી લીધો :ક્વાંટ તાલુકાના ખડલા ગામે નર્મદા નદીના માર્ગે બેથી ત્રણ બોટમાં વિદેશી દારૂ લાવવામાં આવ્યો હતો access_time 1:22 am IST