Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

મેંદરડાનો પ્રજ્ઞાચક્ષુ યુવાન સોફટવેર એન્જીન્યિર બન્યો

ભાર્ગવ ૧૦ વર્ષનો હતો ત્યારે જ આંખની રોશની ઓછી થવા લાગી હતી : આંખે દેખાતુ ન હોવા છતા ભાર્ગવે સોફટવેર એન્જીનિયર જેટલુ જ્ઞાન ધરાવી કોમ્પ્યુટર એકસપર્ટ બન્યો : હાલ બેંગ્લુરૂમાં કંપનીમાં ૯૦ હજાર પગાર ધરાવે છે

 (ગૌતમ શેઠ) મેંદરડા,તા. ૭ : મન હોય તો માળવે જવાયએવીજ રીતે મેંદરડામાં શિક્ષક તરીકે નોકરી કરતા હરસુખભાઈ વઘાસિયાનો દીકરો ભાર્ગવ ૧૦ વર્ષનો થયો ત્યારે એની આંખોની રોશની ઓછી થવા લાગી. ભારતભરના આંખના નિષ્ણાત ડોકટરોને બતાવ્યું પણ કોઈ ફે ર પડતો નહોતો. દિવસે દિવસે દ્રષ્ટિ ઝાંખી થતી ગઈ અને ભાર્ગવ ૧૦માં ધોરણમાં આવ્યો ત્યારે સંપૂર્ણ દૃષ્ટિહીન થઈ ગયો.

ભાર્ગવની દ્રષ્ટિ જતી રહી પણ હિંમત અકબંધ હતી. મેંદરડામાં જ અભ્યાસ આગળ ચાલ્યો અને ૧૨માં ધોરણમાં પ્રજ્ઞાચક્ષુ ભાર્ગવ ૯૯.૭૧ પીઆર સાથે સમગ્ર મેંદરડા કેન્દ્રમાં પ્રથમ આવ્યો. માતા-પિતાને પ્રજ્ઞાચક્ષુ દીકરાની કારકિર્દી અને ભવિષ્યની વધુ ચિંતા હોય એ સ્વાભાવિક છે. પિતા હરસુખભાઈએ ભાર્ગવને કહ્યુ કે 'આપણે આર્ટ્સ રાખીને આગળનો અભ્યાસ કરીએ.' ભાર્ગવે મક્કમતાથી કહ્યુ, 'ના પપ્પા, મને કમ્પ્યુટરના અભ્યાસમાં રસ છે મારે એ લાઈનમાં આગળ વધવું છે.' પિતાને મનમાં થતું હતું કે પ્રજ્ઞાચક્ષુ દીકરો કમ્પ્યુટર કેવી રીતે શીખી શકે અને કામ કરી શકે ! પણ દીકરાની ઈચ્છા મુજબ જ ભણાવવો હતો એટલે પ્રજ્ઞાચક્ષુને કમ્પ્યુટરનો ડીગ્રી કોર્સ કરાવે એવી કોલેજની શોધ આદરી.

ગોંડલની એમ.બી.કોલેજમાં ચાલતા બી.સી.એ.ના કોર્સમાં એડમિશન આપીને પ્રજ્ઞાચક્ષુ ભાર્ગવને ભણાવવાની કોલેજના પ્રોફેસરોએ તૈયારી બતાવી એટલે ત્યાં એડમિશન લઈ લીધું. હરસુખભાઈ પોતાની નોકરીને કારણે મેંદરડામાં એકલા રહ્યા અને પત્ની રીટાબેનને ભાર્ગવ સાથે ગોંડલ મોકલી આપ્યા. રીટાબેન રોજ દીકરાને કોલેજ લેવા-મુકવા માટે જતા. બી.સી.એ.ના ત્રણ વર્ષના અભ્યાસ દરમ્યાન ભાર્ગવે કમ્પ્યુટર સોફ્ટવેર તૈયાર કરવાની બાબતમાં માસ્ટરી મેળવી. આંખેથી દેખાતું ન હોવા છતાં ભાર્ગવે તૈયાર કરેલી મોબાઈલ એપલીકેશન કે વેબસાઈટ જોઈ સૌ કોઈ પ્રભાવિત થતા. ભાર્ગવ કદાચ ગુજરાતનો પહેલો એવો છોકરો હતો જે પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં સોફ્ટવેર એન્જીનયર જેટલું જ્ઞાન ધરાવતો કમ્પ્યુટર એકસપર્ટ બન્યો.

બેંગલુરુની એક મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી માટેની ઓફર મળી. બંને આંખે દેખાતું હોવા છતાં આપણે રાજય બહાર નોકરી કરવા જવા તૈયાર નથી પણ ભાર્ગવ એકલો બેંગ્લોર જવા તૈયાર થયો. જે કંપનીમાં એને જોબ મળી એમાં ભાર્ગવ એકમાત્ર પ્રજ્ઞાચક્ષુ કર્મચારી હતો. પોતાના અસાધારણ કામ દ્વારા એણે સાબિત કરી આપ્યું કે દૃષ્ટિહીન માણસ પણ કમ્પ્યુટરનું બધું જ કામ કોઈપણ જાતની ભૂલ વગર કરી શકે છે. દેખાવમાં સ્માર્ટ લાગતો ભાર્ગવ કામમાં એનાથી પણ વધુ સ્માર્ટ છે. ભાર્ગવે બેંગલુરુમાં પોતાની ટીમમાં બીજા ૧૦ પ્રજ્ઞાચક્ષુ યુવાનોને સામેલ કર્યા જેમાં ગુજરાતના યુવાનોનો પણ સમાવેશ થાય છે.બેંગલુરુમાં ભાર્ગવ પેઇંગ ગેસ્ટ તરીકે એકલો જ રહે છે અને જયારે વતનમાં આવવાનું હોય ત્યારે એકલો જ આવે જાય છે. કંપનીમાથી મળતો પગાર અને પોતાના બીજા વ્યકિતગત કામ દ્વારા ભાર્ગવ મહિને ૯૦૦૦૦થી પણ વધુ કમાઈ લે છે.

(12:07 pm IST)