Gujarati News

Gujarati News

News of Sunday, 7th June 2020

સોમવારથી પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ખુલશે: ઓનલાઇન બુકિંગ કરાવનારને જ મળશે પ્રવેશ

65 વર્ષથી વધારે વયનાં વૃદ્ધોને અને 10 વર્ષથી વધારે નાના બાળકોને પ્રવેશ નહીં

સોમનાથ : સમગ્ર વિશ્વમાં ચાલી રહેલી વૈશ્વિક મહામારી કોરોના વચ્ચે દેશમાં લાખો શિવભકતો મનોમન ભગવાન શિવજીનાં પ્રત્યક્ષ દર્શનની પ્રાર્થના કરી રહ્યાં હતાં ત્યારે સોમવારથી સાર્થક થશે.સરકાર દ્વારા હવે લોકડાઉન 5. 0 વચ્ચે ‘અનલોક-1’ માં 8 જૂનથી મંદિરો સહિતનાં ધર્મસ્થાનોનાં દ્વાર ખોલવાની મંજૂરી આપી દેવામાં આવી છે. પરંતુ તેમાં પણ લોકડાઉન એટલે કે કોરોનાને લગતાં કેટલાંક જરૂરી નિયમોને આધિન જરૂરી શરતો સાથે જ મંદિરો ખોલવાની પરવાનગી આપવામાં આવી છે. રાજ્યનાં મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીએ મંદિરનાં ટ્રસ્ટોનાં સંચાલકો સાથે વીડિયો કોન્ફરન્સ યોજીને સરકારની ગાઈડલાઇનથી પણ તેઓને વાકેફ કર્યા હતાં

 જેને લઇને હવે આવતી કાલથી સોમવારનાં રોજ દેશનું પ્રથમ જ્યોતિર્લિંગ મંદિર સોમનાથ મહાદેવ મંદિરનાં દ્વાર પણ આવતી કાલે તારીખ 8 જૂનથી ખુલવા જઇ રહ્યાં છે. ત્યારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની ગાઇડલાઇનનો ભંગ ના થાય તે માટે ટ્રસ્ટનાં જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા દ્વારા સરકારની ગાઈડલાઇન મુજબ મંદિરને સેનેટાઇઝેશન કરવાનું કામ ચાલુ કરી દેવાયું છે. ઉપરાંત સોમનાથ મંદિરમાં અનેક વિધ ફેરફારો પણ કરવામાં આવ્યાં છે. જેમાં એક કલાકમાં માત્ર 300 વ્યક્તિ સોમનાથનાં દર્શન કરી શકશે. આ ઉપરાંત ગીર સોમનાથ જિલ્લાની બહારથી આવતા દર્શનાર્થીઓએ 12 જૂન બાદ જ સોમનાથ ટ્રસ્ટની વેબસાઈટ www.somnath.org પર અગાઉથી રજીસ્ટ્રેશન કરાવ્યાં બાદ જ નિશ્ચિત સમયનું કન્ફોર્મેશન લઈને જ દર્શન કરવા આવવાનું રહેશે.

જો કે એમાં પણ મહત્વની બાબત એ છે કે 65 વર્ષથી વધારે વયનાં વૃદ્ધોને અને 10 વર્ષથી નાની ઉંમરના બાળકોને પ્રવેશ આપવા દેવામાં આવશે નહીં. સાથે-સાથે સોમનાથ મંદિર ખાતે સોશિયલ ડિસ્ટેન્સિંગ જળવાઈ રહે તે માટે પણ ક્લોક રૂમથી લઈને મંદિર સુધી એક-એક મીટરે રાઉન્ડ બનાવી દેવાયા છે તેમજ પ્રવેશ પૂર્વે ભક્તોએ સેનિટાઈઝર કેબીનમાંથી પસાર થવું પડશે અને માસ્ક પણ દર્શનાર્થીઓએ ફરજિયાત પહેરવાનું રહશે. જેવી સંપૂર્ણ તમામ તૈયારીઓ કરી દેવાઈ છે.

(5:14 pm IST)