Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

જસદણમાં અધિકારીના વર્તનના વિરોધમાં ધરણા સાથે આક્રોશ

જસદણ તા.૭: જસદણના પ્રાંત અધિકારીની દાદાગીરી અને પ્રસાદ મુકયો બાદ જ પ્રજાકિય કાર્ય થતા હોવાને કારણે ગુરૂવારે જસદણ વિંછીયા ભાજપના આગેવાન ભુપતભાઇ કેરાળીયા સહિત ખુદ ભાજપના ૨૫ કાર્યકરોએ એક દિવસ ધરણા કરતા તંત્રમાં હલચલ મચી જવા પામેલ હતી.

જસદણ પ્રાંત અધિકારીની કચેરી સામે ઉપવાસ આંદોલન પર બેઠેલા ભાજપના અગ્રણી ભુપતભાઇ કેરાળિયાના સમર્થનમાં પોપટભાઇ વિઠ્ઠલભાઇ ફતેપરા પણ આંદોલન ઉપર બેઠા હતા. આંદોલનની છાવણીમાં ગરમીને કારણે પોપટભાઇ ફતેપરાની તબિયત લથડતા આંદોલન છાવણી ખાતે ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવીને પોપટભાઇને જસદણ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આંદોલન ઉપર બેઠેલા ભુપતભાઇ કેરળિયાએ જણાવ્યુ હતું કે જસદણ પ્રાંત કચેરીમાં અધિકારી અરજદારો સાથે ગેરવર્તન કરે છે અને આ કચેરીમાં નિવેદ ધર્યા વગર પ્રજાકીય કોઇ કામોનો નિકાલ સમય મર્યાદામાં કરવામાં આવતો નથી આ બાબતે વારંવાર સબંધિત વિભાગ અને જવાબદાર આગેવાનોને વખતો વખત લેખિત મૌખિક અને સાધનિક કાગળો આધાર પુરાવા સાથે રજુઆત કરવામાં આવેલ છે તેમ છતાં કોઇ પ્રકારનું કોઇના તરફથી જવાબ આપવામાં આવેલ નથી.

પ્રશ્નોનું નિરાકરણ કરવામાં નહિ આવે અને જસદણ પ્રાંત સામે કોઇપણ પ્રકારની કાર્યવાહી કરવામાં નહિ આવેતો તા.૦૧-૭ ના રોજ રાજકોટ કલેકટર કચેરી સામે પ્રતીક ધરણા પર બેસવાની ચીમકી ભુપતભાઇ કેરળિયાએ આપી હતી. પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે ભાજપના અગ્રણીઓ ચંદુભાઇ કચ્છી, ભીખાભાઇ રોકડ, ખોડાભાઇ ખસિયા, વલ્લભભાઇ રામાણી સહિતના ભાજપના આગેવાનો પ્રાંત અધિકારીને મળ્યા હતા.

(1:28 pm IST)