Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

ભાણવડમાં નોન ક્રિમીનલના દાખલા માટે ભારે પરેશાની

આઠસો અરજીઓ પેન્ડીંગ રોજ નવી આવક ૨૫૦ અરજીની

ભાણવડમાં સરકાર માન્ય વિવિધ દાખલાઓ કઢાવવા માટે અરજદારોનો ભારે ઘસારો રહે છે પરંતુ એકમાત્ર ઓપરેટરને કારણે અરજદારોને દાખલા માટે રીતસર મોઢે ફીણ આવી જાય છે અને ૧૫-૧૫ દિવસ સુધી દાખલા મળતા નથી. તસ્વીરમાં દાખલાઓ માટે આવેલ અરજદારોનો જમેલો નજરે પડે છે. (તસ્વીર : રવિ પરમાર, ભાણવડ)

ભાણવડ તા.૭ : ભાણવડમાં સરકાર માન્ય આવકના નોન ક્રિમીનલ તેમજ જાતિના દાખલા કઢાવવા માટેની કાર્યવાહી તાલુકા પંચાયત ખાતે ચાલી રહી છે. ખાનગી એજન્સીએ કોન્ટ્રાકટ આપી કરાવવામાં આવતી કામગીરી એકદમ મંથર ગતિએ ચાલી રહી હોય અરજદારો પારાવાર યાતના ભોગવી રહ્યા છે.

હાલ શાળા સ્કુલોના નવા સત્રો શરૂ થતા હોય જાતિ-આવકના દાખલા તેમ જ નોન ક્રિમીનલ દાખલાઓની જરૂરીયાત હોય તા.પં.ખાતે આ કાર્યવાહી લક્ષ્મી એજન્સી દ્વારા કરાઇ છે. હાલ તા.પં. ખાતે આ એજન્સીના માત્ર એક ઓપરેટર દ્વારા આ કામગીરી થઇ રહી હોય કામનું ભારણ વધારે છે અને અરજીઓના પ્રમાણમાં ૫૦ ટકા પણ કામગીરી થઇ શકતી નથી અને અરજદારોની ભીડ ભારે રહે છે તેમજ મોટાભાગના અરજદારો ૧૫ - ૧૫ દિવસ સુધી દાખલા મળી શકતા ન હોઇ ભારે હાડમારીનો સામનો કરે છે. સરકારી નોકરીઓ માટે અરજી કરનાર બેરોજગારોને આવકના તેમન નોન ક્રિમીનલ દાખલા ન મળી શકવાને કારણે ભરતી પ્રક્રિયામાં પણ જોડાવાથી વંચીત રહી જાય છે. અરજદારો આખો આખો દિવસ કતારમાં ઉભા રહ્યા બાદ વારો ન આવતા વિલા મોઢે પરત ફરે છે તેઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

હાલ પરિસ્થિતિ એવી છે કે એક માત્ર ઓપરેટરને કારણે માંડ ૧૦૦-૧૨૦ જેટલી અરજી ઓનો નિકાલ થઇ શકે છે જેની સામે રોજની ૨૫૦ થી ૩૦૦ જેટલી અરજીઓ આવી રહી હોય સ્થિતિ એવી છે કે હાલ ઓપરેટરો પાસે આશરે ૮૦૦ જેટલી અરજીઓ પેન્ડીંગ પડી છે. અરજદારોની હાલત ભારે કફોડી થઇ છે ત્યારે તા.પં. પ્રમુખ દ્વારા ખાનગી એજન્સીને ઓપરેટરો વધારવા રજૂઆત કરી અરજદારોની હાલાકી દૂર કરવા જણાવાયુ છે પરંતુ એજન્સી દ્વારા હજુ સુધી તો કોઇ સકારાત્મક કાર્યવાહી કરાઇ નથી. ત્યારે આ કામગીરીમાં કામનું ભારણ હળવુ થાય તે માટે તા.પં.નો સ્ટાફ મોડી રાત સુધી જોતરાયેલો છે.

(12:17 pm IST)