Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

પ્રશ્નો ન ઉકેલાતા બેટ દ્વારકા-ઓખા વચ્ચે બોટ સેવા બંધ

૧૬૦ જેટલી બોટ બંધ થતા પ્રવાસીઓને હાલાકીઃ ભાડુ-લાયસન્સ ફી માં વધારા મુદે રજૂઆત

તસ્વીરમાં બેટ દ્વારકા ખાતે ફેરી બોટ બંધ હાલતમાં તથા પ્રવાસીઓ નજરે પડે છે. (તસ્વીર : વિનુભાઇ સામાણી-દ્વારકા)

દ્વારકા તા. ૭ : બેટ દ્વારકા-ઓખા વચ્ચે ચાલતી ફેરી બોટ સુવિધા આજથી બંધ કરીને હડતાલ પાડવામાં આવી છે અને પ્રશ્નો  ઉકેલવા માટે માગણી કરવામાં આવી છે.

ઓખા-બેટ ફેરી બોટ એસો. દ્વારા  મેરીટાઇમ બોર્ડના બંદર અધિકારીને અપાયેલા આવેદનમાં જણાવ્યા મુજબ બર્થ ચાર્જ અને લાઇસન્સ ફીમાં વધારો અહસ્ય છે. આ માટે બોટ માલિકોની કોઇ સંમતિ લેવામાં આવી નથી. આ બાબતે અગાઉ અનેક વખત રજૂઆતો કરવા છતાં પ્રશ્નનો નિકાલ લવાયો નથી. જો આજ પરિસ્થિતી રહી તો ફેરી બોટના સંચાલકો માટે પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ થશે. આથી ના છૂટકે હડતાલ પાડવાનો નિર્ણય લેવાયો છે.

દરમિયાન ઓખાની પેસેન્જર જેટી પર ૩૦ મિનીટ સુધી ટ્રાફીક જામ થતાં પોલીસ દોડી આવી હતી. અને ટ્રાફીક કલીયર કરાવ્યો હતો.

પેસેન્જર જેટીની સામેની સાઇડ ઉપર આઇએનએસ દ્વારકા દ્વારા નો-પાર્કીંગ જાહેર કરવામાં આવ્યું હોવા છતાં ત્યાં વાહનોનાં આડેધડ પાર્કીંગ થતાં અવારનવાર ટ્રાફીક જામની સ્થિતિ સર્જાય છે.

આજે ફેરી બોટ સર્વિસ બંધ કરાતા ૧૬૦ જેટલી બોટોને દરિયા કિનારે લંગારી દેવામાં આવી છે અને યાત્રીકોને ભારે હાલાકી પડી છે.

અનિશ્ચિત મુદત માટે હડતાલ પાડીને પોતાની માંગણીનું નિરાકરણ લાવવા રજૂઆત કરી છે.

(12:06 pm IST)