Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

વંથલીના ખેડૂત અગ્રણી પરના હુમલામાં ધણફુલીયાના સરપંચની ધરપકડ

ક્રાઇમ બ્રાંચની કાર્યવાહીમાં અપહરણ માટે ઉપયોગમાં લેવાયેલી કાર કબ્જેઃ હુમલાખોરોને પકડવાની માંગણી સાથે ગ્રામ્યજનોએ બંધ પાળેલ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા.૭: વંથલીના ખેડુત અગ્રણી નયનભાઇ કલોલાનું અપહરણ કરી ખુની હુમલો કરવાના બનાવમાં પોલીસે ધણફુલીયાના સરપંચ ભુરા કરમટાની ધરપકડ કરી અને તેની પાસેથી અપહરણમાં ઉપયોગમાં લેવાયેલી કાર કબ્જે પણ કબ્જે કરેલ છે.

ગત તા. ૪ના રોજ ઓઝત નદીનાં લીઝ રદ કરવાની માંગણી સાથે વંથલી બંધ રહયું હતું. આ દરમ્યાન ખેડુત અગ્રણી વંથલીના નયનભાઇ કલોલાનું ૪ અજાણ્યા શખ્સો કારમાં અપહરણ કરી ગયા હતા અને બાદમાં તેના ઉપર હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડવામાં આવી હતી.

વંથલીના લોકોએ હુમલાખોરોને પકડવાની માંગ સાથે બીજા દિવસે પણ બંધ પાડયો હતો.

આ પ્રકરણમાં રેંજ આઇજીપી રાજકુમાર પાંડીયન અને પોલીસ અધિક્ષક નિલેશ જાજડીયાની સુચનાથી હુમલાખોરોને પકડી પાડવા પોલીસની અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી અને ખાનગી બાતમીદારોને કામે લગાડવામાં આવ્યા હતા.

આ ગુનામાં ધણફુલીયાના સરપંચ ભુરા કાનાભાઇ કરમટા સંડોવાયા હોવાનું જાણવા મળતા પોલીસે તેની ધરપકડ કરી પુછપરછ હાથ ધરતા આ શખ્સે ગુનાની કબુલાત આપી હતી. ગત રાત્રે પોલીસે ભુરા કરમટાની ધોરણસર અટકાયત કરી હતી અને અપહરણ માટે ઉપયોગમાં લીધેલ આઇ-૨૦ કાર પણ કબ્જે કરી હતી.

આ કામગીરીમાં ક્રાઇમ બ્રાંચના ઇન્ચાર્જ પીઆઇ આર.કે. ગોહિલ અને તેનો સ્ટાફ રોકાયો હતો.  આ ગુનાનું કાવતરૃં રચનાર અને અપહરણ કરનાર તમામ ઇસમોને નામ સ્પષ્ટ થઇ ગયા હોય જે સંપત્તિ જપ્ત કરવાની પણ કાર્યવાહી હાથ ધરેલ છે. (૧.૨૦)

(4:28 pm IST)