Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

જમીન વિકાસ નિગમના પુર્વ એમડી કે.એસ. દેત્રોજાની મિલ્કતનો આંક ૧ અબજને આંબી ગયો? એસીબી સર્વેથી ખળભળાટ

મોરબીમાં વિશાળ ફાર્મ હાઉસ-બંગલો-ધ્રાંગધ્રામાં જમીનો અને માળીયા મિંયાણા રોડ પર આલીશાન હોટલ

ઉંઝામાં પેટ્રોલ પંપોઃ ગાંધીનગરમાં પ્લોટો અને અમદાવાદમાં ૭ બેડરૂમના ફલેટ સહિતની જમીનો કેશવકુમારના માર્ગદર્શન હેઠળની તપાસ આગળ વધી રહી છે

રાજકોટ, તા., ૭: ગુજરાત જમીન વિકાસ નિગમના પુર્વ એમડી કે.એસ.દેત્રોજાની  બેહિસાબી સંપત્તિની તપાસ કરી રહેલ એસીબીની વિવિધ ટીમો કે જેનું સીધુ સુપરવીઝન રાજયના એસીબી વડા કેશવકુમારના માર્ગદર્શનમાં ચાલે છે. તેવી આ તપાસમાં કે.એસ.દેત્રોજાની બિનહિસાબી સંપત્તિ કે જેમાં ફાર્મ હાઉસ-ખેતીની જમીનો-રહેણાંક જમીનો-બંગલાઓ-હોટલો અને ફલેટોની ગણતરી કરતા આ સંખ્યા ૧ અબજ સુધી હોવાનું એસીબી વર્તુળોએ તારણ કાઢતા ભારે ખળભળાટ મચી ગયો છે. એસીબી સુત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ કે.એસ.દેત્રોજા પાસે મોરબીમાં ૬૪ ગુંઠાથી વધુ જમીનમાં અદ્યતન ફાર્મ હાઉસ  છે. આ ફાર્મ હાઉસને મનમોહક બનાવવા માટે ૬૪ લાખ રૂપીયા ખર્ચાયાનું પણ ચર્ચાઇ રહયું છે.

સુત્રોના કથન મુજબ કે.એસ.દેત્રોજા પાસે મોરબી પંથકમાં ર૯ વિઘા જેટલી ખેતીલાયક જમીન અને મોરબીમાં વિશાળ બંગલો તથા માળીયા મિંયાણા (અમદાવાદ-કચ્છ હાઇવે) પર અદ્યતન હોટલ, ઉંઝામાં હોટલ, ધ્રાંગધ્રામાં ખેતીલાયક જમીન અને મોરબીમાં બીજા ૪ પ્લોટ અને વડોદરા-ગાંધીનગર વિ. શહેરોમાં ફલેટો, જમીનોનો સમાવેશ હોવાનું કહેવાય છે.

અત્રે એ યાદ રહે કે એસીબી વડા કેશવકુમારને મળેલી ચોક્કસ બાતમી આધારે જમીન વિકાસ નિગમમાં મસમોટા ભ્રષ્ટાચાર સંદર્ભે એસીબી દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવેલ. તે સમયે આખી રાત આ ઓપરેશન ચાલેલ. ટેબલના વિવિધ ખાનાઓમાંથી પ૪ લાખથી વધુ રોકડ રકમ મળી આવી હતી.

એસીબી ટીમો દ્વારા જમીન વિકાસ નિગમના પુર્વ એમડીની મિલ્કતોની કિંમત નક્કી કરવા સરકારી વેલ્યુઅરને તેડાવા સાથે ઉકત અધિકારીઓ પાસે ઇન્કમ ટેકસ રીટર્ન અને અન્ય આવકના સ્ત્રોતો મંગાવાયેલા. એસેસમેન્ટ દરમિયાન સંબંધક અધિકારીની આવક કરતા અનેકગણી મિલ્કતો હોવાનું ખુલતા જ એસીબી અધિકારીઓની આંખો આશ્ચર્યથી પહોળી થઇ ગઇ હતી.કે.એસ.દેત્રોજા સામે અપ્રમાણસર મિલ્કતના ગુન્હા દાખલ કરવા સથે નિગમના જોઇન્ટ ડાયરેકટર કે.સી.પરમાર, ડાયરેકટર એમ.કે.દેસાઇ, નાણાકીય કામગીરી સંભાળતા એસ.એમ.વાઘેલા તથા કંપની સેક્રેટરી એસ.પી.શાહ વિરૂધ્ધ પણ ગુન્હા દાખલ કરી એસીબી વડાએ ઇન્કમ ટેક્ષ અને ઇડીને પણ માહીતગાર કરેલ. (૪.૬)

(4:26 pm IST)