Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

કચ્છની 350 એકર જમીનના બોગસ દસ્તાવેજ બનાવી બેન્કમાંથી 750 કરોડની લોન લઈ લીધી:મુંબઈના ભદ્રેશ મહેતાની ધરપકડ

2012માં ફૂડ પ્રોસેસિંગ પાર્ક બનાવવા જમીન ફાળવી હતી : એટીએસની ટીમે બેંક ફ્રોડના મામલે દબોચી લીધો

રાજકોટ :કચ્છની અંદાજે 350 એકર જમીનના બોગસ દસ્તાવેજો બનાવી બેન્કોમાંથી 750 કરોડની લોન ઉઠાવી લેવાના આરોપસર એટીએસની ટીમે બેંક ફ્રોડના મામલે ભદ્રેશ ટ્રેડિંગ કોર્પોરેશનના પ્રમોટર ભદ્રેશ મહેતાની ધરપકડ કરી છે બેન્કમાંથી લોન લેવા માટે ભદ્રેશ મેહતાએ ભૂજ તાલુકાના વિવિધ ગામની 350 એકર જમીનના ખોટા દસ્તાવેજો તૈયાર કરાવ્યાં હતાં.

   ફૂડ પ્રોસેસિંગ પાર્ક બનાવવાના હેતુસર એક વર્ષમાં કામ શરૂ કરી દેવાની શરતે 2012માં કંપનીને જમીન ફાળવવામાં આવી હતી પરંતુ આ જમીન પર કોઈપણ પ્રકારનું કામ શરૂ નહોતું કરાયું. વિવિધ અરજી દ્વારા આરટીઆઈ એક્ટિવિસ્ટ દતેશ ભવસારને માહિતી મળ્યા બાદ આ મામલે કચ્છના કલેક્ટરને રિપોર્ટ જમા કરવામા આવ્યો હતો. એટીએસની ટીમે કૌભાંડી મહેતાની ધરપકડ કરી લીધી છે.

  નારાયણ ડાભોલકર રોડ સ્થિત ઈન્ફોસિટી ટાવરમાં રહેતા 61 વર્ષીય ભદ્રેશ મેહતા હાલ સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચની કસ્ટડીમાં છે. કચ્છના ડેપ્યુટી કલેક્ટરે 2012માં ફૂડ પ્રોસેસિંગ પાર્ક બનાવવા માટે ભૂજના કેટલાક ગામની જમીન ભદ્રેશ મેહતાની કંપનીને ફાળવી હતી અને એક વર્ષમાં કંપનીએ જરૂરી મંજૂરી મેળવીને કામ શરૂ કરવાની શરત રાખવામાં આવી હતી.

  શરૂઆતમાં કંપનીએ ખાંડ, સોફ્ટ ડિંક્સ, ફ્રૂટ જ્યુસ, ઈન્સ્ટન્ટ ફૂડ મિક્સ, એનર્જી ફૂડ અને સ્પાઈસ પાવડરના પ્લાન્ટ માટે રસ દાખવ્યો. જો કે 2017માં મેહતાએ કચ્છ કલેક્ટર અને ગાંધીનગર રેવન્યુ કમિશનરને કેટલીક અરજી કરી જેમાં કોઈ કંપની જમીન પર પ્લાન્ટ શરૂ કરવા માટે તૈયાર ન હોવાનો આરોપ લગાવ્યો હતો.

 

  ગત 3 માર્ચના રોજ એસડીએમએ રજૂ કરેલા રિપોર્ટમાં નોંધવામાં આવ્યું કે કેટલાક રેવન્યુ તલાટીએ આ જમીનનો સર્વે કર્યો હતો. પૈયા ગામમાં કંપનીને ફાળવવામાં આવેલી જમીન પર કન્સટ્રક્શન કામ શરૂ નહોતું થયું. ઝાકડી ગામમાં કંપનીને 7 સર્વે નંબર ફાળવવામાં આવ્યા હતા ત્યાં પણ કોઈ જ પ્રકારનું કામ શરૂ નહોતું થયું. ઈન્ડસ્ટ્રીયલ હેતુ માટે મોટા વરનોરામાં સૌથી વધુ ખેતી લાયક જમીન ફાળવામાં આવી હતી. પરંતુ અહીં પણ કોઈપણ પ્રકારનું કામ શરૂ નહોતું થયું.

 

 આરટીઆઈ એક્ટિવિસ્ટ ભવસારે કહ્યું કે, “વારંવાર મેં કરેલી રજૂઆત બાદ કચ્છ કલેક્ટરે મામલતદારને રિપોર્ટ જમા કરાવવા કહ્યું, પરંતુ આ પગલું શેના આધારે લેવાયું તે અંગે મને કોઈ જ પ્રકારની માહિતી આપવામાં નથી આવી. પબ્લિક સેક્ટર બેંકની મુંબઈ બ્રાન્ચ દ્વારા જમીનને સિક્યુરિટી તરીકે રાખી લોન આપવામાં આવી હતી. યોગ્ય રીતે પેપર ચકાસ્યા વિના બેંક કઈ રીતે લોન આપી શકે?

    કચ્છ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને કહ્યું કે, “અમે વિવિધ બેંક અને વિવિધ એજન્સીઓનું સંકલન કરી રહ્યા છીએ, અને આ મામલે સંયુક્ત રીકે મેહતા વિરુદ્ધ પગલાં ઉઠાવવામાં આવશે. પબ્લિક સેક્ટર બેંકના પૈસા ફસાયેલા છે ત્યારે માત્ર વિશ્વાસઘાત જ મુદ્દો નથી બનતો પણ અહીં રાષ્ટ્રીય હિતનો સવાલ પણ છે.”

(2:09 pm IST)