Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

ઓખા-જામસલાયાના ૩૮ ખલાસીઓ હેમખેમ પોરબંદર પહોંચ્યા

ઓમાન દરિયા પાસે 'મૈકૂન' વાવાઝોડામાં સૌરાષ્ટ્રના ૩ વહાણોની જળ સમાધી બાદ ઇન્ડીયન નેવીદ્વારા સફળ રેસ્કયુ ઓપરેશનઃ તમામ ખલાસીઓની ઓળખવિધી બાદ વતન મોકલી અપાશેઃ નેવીની અદ્યતન શીપમાં ખલાસીઓ આવ્યાઃ ૧ વહાણ હજુ લાપતા

પોરબંદર તા. ૭ :.. ઓમાન પાસે દરિયામાં 'મૈકુન' વાવાઝોડામાં સૌરાષ્ટ્ર-કચ્છના ૩ વહાણો ફસાય જતાં જળ સમાધી લીધેલ. આ વહાણો ના ૩૮ ખલાસીઓને ઇન્ડીયન નેવીએ રેસ્કયુ  ઓપરેશન હાથ ધરીને ૩૮ ખલાસીઓને બચાવીને આજે સવારે પોરબંદર નેવીના હેડ કવાટર્સમાં લાવવામાં આવેલ છે. તમામ ખલાસીઓ હેમખેમ પરત આવ્યા છે. ખલાસીની ઓળખવિધી બાદ વતન મોકલી અપાશે.

આ  ખલાસીઓમાં ઓખાના ૩ ખલાસીઓ તથા મોટા સલાયા અને આજુબાજુ ગામના ૩પ ખલાસીઓનો સમાવેશ થાય છે.

જામનગર જિલ્લાના મોટા સલાયા તથા કચ્છ-માંડવીના અને આજૂ બાજૂ ગામના ખલાસીઓ ઓમાન તરફનુ વહાણોમાં ગયેલ અને વાવાઝોડામાં ફસાઇ ગયેલ હતાં.

ઓમાન દરિયામાં ગત તા. ૩ જૂનના રોજ મૈકુન વાવાઝોડું ફુંકાયેલ અને સૌરાષ્ટ્ર-કચ્છના ૩ વહાણો ઉપરાંત દેશના વહાણો ફસાયેલ જેમાં અન્ય રાજયના ૧૪ ખલાસીઓના મોત નિપજયા હતાં.

સૌરાષ્ટ્ર-કચ્છના ૩૮ ખલાસીઓને હેમખેમ નેવીની અદ્યતન શીપ 'સુનયના' શીપમાં પોરબંદરમાં લાવવામાં આવ્યા છે.(પ.૧૭)

(11:57 am IST)