Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

લોઠડા પાસે 'હિટ એન્ડ રન'માં કોટડાસાંગાણીના એલઆઇસી એજન્ટ લેઉવા પટેલ પ્રોૈઢનું મોત

ગોરધનભાઇ ઠુમ્મર રાજકોટથી મિટીંગ પતાવી એકટીવા પર ઘરે જતા'તા ત્યારે રાત્રે કાળ ભેટી ગયો

રાજકોટ તા. ૭: લોઠડા નજીક રાત્રીના સમયે હિટ એન્ડ રનના બનાવમાં કોટડા સાંગાણી રહેતાં એલઆઇસી એજન્ટ લેઉવા પટેલ પ્રોૈઢનું મોત નિપજ્યું છે.

જાણવા મળ્યા મુજબ કોટડા સાંગાણીમાં રહેતાં ગોરધનભાઇ જસમતભાઇ ઠુમ્મર (ઉ.૫૧) નામના પટેલ પ્રોૈઢ એલઆઇસી એજન્ટ તરીકે કામ કરતાં હોઇ ગઇકાલે સાંજે વિમા એજન્ટની મિટીંગમાં રાજકોટ પોતાનું એકટીવા લઇને આવ્યા હતાં. અહિથી રાત્રે પરત કોટડા સાંગાણી પોતાના ઘરે જવા નીકળ્યા ત્યારે રાત્રે સાડા અગિયારેક વાગ્યે લોઠડા નજીક કોઇ વાહનનો ચાલક એકટીવાને ઠોકરે લઇ ભાગી જતાં ગોરધનભાઇ રોડ પર ફેંકાઇ જતાં માથામાં ગંભીર ઇજા થઇ હતી અને બેભાન થઇ ગયા હતાં.

લોકો ભેગા થઇ જતાં કોઇએ ૧૦૮ બોલાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતાં. પરંતુ અહિ તેમનું મોત નિપજ્યું હતું. મૃતકના સ્વજનોને જાણ થતાં રાજકોટ દોડી આવ્યા હતાં. મૃત્યુ પામનાર ગોરધનભાઇ ત્રણ ભાઇ અને એક બહેનમાં વચેટ હતાં. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પત્નિનું નામ ભાવનાબેન છે. પુત્રનું નામ પ્રશાંતભાઇ છે. આ બનાવથી પરિવારજનોમાં ગમગીની છવાઇ ગઇ હતી.

હોસ્પિટલ ચોકીના હરેશભાઇ રત્નોત્તર અને ધીરેનભાઇ ગઢવીએ આજીડેમ પોલીસને જાણ કરી હતી.

(11:54 am IST)