Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

મોદી સરકારના ચાર વર્ષની પૂર્ણતા પર કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાની ભાવનગરમાં પત્રકાર પરિષદ

નવા ભારતનું સ્વપ્ન સાકાર થઇ રહયું છે : ભાવનગરના અધુરા કામો અંગે મનસુખભાઇએ તત્પરતા બતાવી

ભાવનગર તા. ૭: કેન્દ્રની ભાજપ સરકારના સફળ ચારવર્ષ પૂર્ણ થયાના અવસરે ભાવનગરમાં ભાજપના મુખ્ય કાર્યાલય ખાતે યોજાયેલ પત્રકાર પરિષદમાં કેન્દ્રના રોડ,પરિવહન, કેમિલક, ખાતાના મંત્રી ડો. મનસુખભાઇ માંડવીયાએ જણાવ્યું હતું કે, સવા કરોડ દેશવાસીઓનો વિકાસ થયા તે માટે મોદીજીના નેતૃત્વ તળે ભાજપ સરકારે આજે ચાર વર્ષ પૂર્ણ કર્યા છે તે પ્રસંગે નવા ભારતનુ઼ સ્વપ્ન સાકાર થઇ રહયું છે તે કહેવું યોગ્ય છે. લોકોની તમામ પ્રાથમિક સુવિધા જેવી કે પોતાનું ઘર વિજળી, પાણી, રોજગારીને લઇને થઇ રહેલ કામો સંતોષકારક છે.

સર્વાગી વિકાસના પાયાની મુખ્ય બાબત હોય તો તે ઇન્ફ્રાસ્ટ્રકચર ને લઇને થયેલા ઝડપી કાર્યો છે. પહેલા રોજની ૧૧ કિ.મી. ના નેશનલ હાઇવે બનતા હતા તેની ઝડપ વધારીને ૨૮ કિ.મી. થયા. રેલ્વે માર્ગ, જલમાર્ગ, અને હવાઇ માર્ગે પરિવહનનો વિકાસ ખૂબ ઝડપી થઇ રહયો છે.

ખાનગી સહિતની એરલાઇન્સો પાસે હાલ ૪૫૦ નાના-મોટા હવાઇ જહાજો છે જે વધીને ૯૦૦ કરવા જઇ રહયા છે. બંદરો અને તેની સાથે જોડાયેલી સવલતો અને સાધનોને ઝડપથી વિકાસ થઇ રહયો છે.

પરિવહન ઉદ્યોગ એ દેશના અર્થતંત્રની કરોડ રજ્જુ સમાન હોય તેમાં વપરાતું ફયુઅલ જો સસ્તુ મળેતો તેની અસર અને ફાયદો દેશના નાના માં નાના નાગરિકને મળે છે તે બાબતમાં પુછાએલા પ્રશ્નના પ્રત્યુતરમાં તેમણે સહમતિ બતાવી તેના ભાવો હાલ ઉતરી રહયાનું જણાવેલ.

ભાવનગરને સ્પર્શતા પ્રશ્નો અને અધુરા કાર્યો અંગે પત્રકારોએ શ્રી માંડવીયાજીને ટકોર કરતા તેના નિરાકરણ માટે તેમણે તત્પરતા બતાવી હતી.

પત્રકાર પરિષદમાં મનસુખભાઇ માંડવીયા સાથે મેયર નિમુબેન બાંભણીયા શહેર પ્રમુખ શ્રી સનતભાઇ મોદી, ભાજપના મંત્રી શ્રી મહેશભાઇ રાવળ, વનરાજસિંહ ગોહિલ તથા સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન સુરેશભાઇ ધાંધલ્યા સહિતના ઉપસ્થિત રહયા હતા. ત્યારબાદ મનસુખભાઇ અહિના મેઘાણી હોલ ખાતે યોજાયેલ બોૈધ્ધિકોની સભાને સંબોધન કરેલ.

(11:48 am IST)