Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

ઉપલેટા-ધોરાજીમાં ખનીજ ચોરો બેફામ

ભાદર-મોજ-વેણુ-૨ની લીજો રદ કરવા માંગણી

ઉપલેટા, તા. ૭ :. અહીંયાથી સૌરાષ્ટ્રની ત્રણ મોટી નદીઓ ભાદર-મોજ અને વેણુ-૨ નદી પસાર થાય છે. આ નદીમાં રહેલ રેતી ખનીજ ચોરીનું સામ્રાજ્ય છેલ્લા ૧૦ વર્ષોથી ચાલુ છે અને ખનીજ માફીયાઓ ખુલ્લેઆમ રોજની લાખો રૂપિયાની રેતી ચોરી કરતા હોવાની અનેક ફરીયાદો બાદ પણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી ન હોવાથી ભાદર કાંઠાના ખેડૂતો દ્વારા આ અંગે વધુ એક વખત અખબારી યાદી દ્વારા તંત્રને જાણ થાય અને ખનીજ માફીયાઓ સામે પગલા લેવાની માંગ દર્શાવી છે.

આ અંગે ખેડૂત આગેવાન રામશી આહિરે જણાવેલ હતુ કે ઉપલેટા તાલુકાના ખેડૂતોએ રેતી ચોરી અંગે અવારનવાર રજુઆતો કરી છે પણ બહેરા તંત્રના કાને કોઈ વાત પડતી ના હોય તેમ રોજની લાખો રૂપિયાની ખનીજ ચોરી કરતા ખનીજ માફીયાઓને ધ્યાને લીધા વગર ઓવરલોડેડ ડમ્પરો નદીમાંથી લોડીંગ કરી આસપાસ જીલ્લાના સેન્ટરોમાં મોટા પ્રમાણમાં ગેરકાયદેસર વેપાર કરવામાં આવી રહ્યો છે. અન્ય ઓવરલોડેડ વાહનો આ વિસ્તારમાં રાત-દિવસ ચાલતા હોવાથી રોડ રસ્તા સહીત નદી પરના પુલને પણ મોટી નુકશાની કરતા હોવાની ફરીયાદો ઉઠવા પામી છે. વધુમાં વાહનો નદી સુધી પહોંચાડવા માટે આધુનિક મશીન દ્વારા નદી વિસ્તારના કાંઠા તોડી (પ્રાઈવેટ પ્રોપર્ટી)ને નુકશાન પહોંચાડી પોતાના વાહનો નદીના પટમાં ઉતારી રાત-દિવસ બેફામ રેતીનો કાળો કારોબાર કરવામાં આવી રહ્યો છે.

(11:45 am IST)