Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

બિલીયાળા પાસે કાર અકસ્માતમાં રાજકોટના વ્હોરા મહિલા રૂકશાનાબેનનું મોતઃ સાસુ-સસરાને ગંભીર ઇજા

મુળ વતન વંથલીથી પરત આવતી વખતે ગોંડલ નજીક બનાવઃ મૃતકના પતિ જુજરભાઇ બરફવાલા અને પુત્ર મોઇઝ (ઉ.૬)નો નજીવી ઇજા સાથે બચાવઃ રણછોડનગરના પરિવારમાં માતમઃ સસરા યુસુફભાઇ અને સાસુ શાહેદાબેન સારવારમાં

રાજકોટ તા. ૭: ગોંડલના બિલીયાળા પાસે સાંજે કાર રોડ ડિવાઇડર પર ચડી જતાં ચાલક મુળ વંથલીના અને હાલ રાજકોટ રહેતાં દાઉદી વ્હોરા યુવાન, તેના પત્નિ, માતા-પિતા અને પુત્રને ઇજા થઇ હતી. જેમાં ગંભીર ઇજાગ્રસ્ત પત્નિનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. રમઝાન માસ ચાલતો હોઇ આ પરિવાર વતન વંથલી ગયો હતો. ત્યાંથી પરત આવતી વખતે આ બનાવ બનતાં પરિવારમાં માતમ છવાઇ ગયો છે.

જાણવા મળ્યા મુજબ રણછોડનગરમાં રહેતાં અને એ.સી. ફિટીંગ, રિપેરીંગનું કામ કરતાં જુજરભાઇ યુસુફભાઇ બરફવાલા (વ્હોરા) (ઉ.૩૫) પરમ દિવસે પોતાની કાર લઇ પોતાના મુળ વતન વંથલી ગયા હતાં. તેમની સાથે પત્નિ રૂકશાનાબેન જુજરભાઇ બરફવાલા (ઉ.૩૩), માતા શાહેદાબેન (ઉ.૫૫), પિતા યુસુફભાઇ સુલ્તાનભાઇ બરફવાલા (ઉ.૬૦) અને પુત્ર મોઇઝ જુજરભાઇ (ઉ.૬) પણ ગયા હતાં.

ગઇકાલે બપોર બાદ આ બધા કાર મારફત પરત રાજકોટ આવવા નીકળ્યા હતાં. કાર જુજરભાઇ ચલાવી રહ્યા હતાં. બિલીયાળા નજીક પહોંચ્યા ત્યારે કોઇપણ કારણોસર જુજરભાઇએ કાબુ ગુમાવતાં કાર રોડ ડિવાઇડરમાં ચડી જતાં તમામને નાની-મોટી ઇજા થઇ હતી. જેમાં જુજરભાઇના પત્નિ રૂકશાનાબેનનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.

પિતા યુસુફભાઇ અને માતા શાહેદાબેનને ગંભીર ઇજા પહોંચી હતી. જ્યારે જુજરભાઇ અને પુત્ર મોઇઝનો નજીવી ઇજા સાથે બચાવ થયો હતો. યુસુફભાઇને રાજકોટ સિવિલમાં અને શાહેદાબેનને જલારામ હોસ્પિટલમાં ખસેડાયા છે. જુજરભાઇ માતા-પિતાના એકના એક પુત્ર છે અને તેનાથી નાના એક બહેન છે. પત્નિને ગુમાવતાં તે શોકમાં ગરક થઇ ગયા છે. ગોંડલ તાલુકા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

(11:59 am IST)