Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

મિલ્કતના વિવાદમાં ભડલીના માજી રાજવી ધીરૂભાઇ ખાચરની ભત્રીજા દ્વારા ક્રુર હત્યા

ભત્રીજા સિધ્ધરાજ ઉર્ફે સિંધુ અને તેના સાગ્રીતોએ ત્રણ ગોળી ધરબી દઇ ઢીમ ઢાળી દિધું : ત્રણેયની શોધખોળ : ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો

 જસદણ તા. ૭ : જસદણથી ૨૫ કિલોમીટર દુર આવેલ ભડલી ગામે ગત રાત્રીના એક કાઠી - ક્ષત્રિય સમાજના મોભીની હત્યા થતાં ભડલી ગામે સન્નાટો છવાઇ ગયો છે. અગમચેતીના સ્વરૂપ ગતસાંજથી જ પોલીસ બંદોબસ્ત મુકી દેવાયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ ભડલીના રાજવી અને ધારાશાસ્ત્રી ધીરૂભાઇ ગભરૂભાઇ ખાચર ભડલી ગામે સાંજે હતા ત્યારે તેમના પર ત્રણ રાઉન્ડ ફાયરીંગ કરી ઘટના સ્થળે તેમનું ઢીમ ઢાળી દેતા આ દહેશતથી ભડલી ફટાફટ બંધ થઇ ગયું હતું અને લોકો ઘરમાં પુરાય ગયા હતા. આ બનાવ અંગે કોઇએ જસદણ પોલીસ મથકમાં જાણ કરતા પીઆઇ એચ.જી.પલ્લાચાર્ય સહિત તેમનો ચુનંદા પોલીસ સ્ટાફ સાથે ભડલી દોડી ગયા હતા અને ત્યાં સજ્જડ પોલીસ બંદોબસ્ત ગોઠવી ગ્રામ્યજનોને ભયમુકત કર્યા હતા. જો કે આરોપીઓ ઘટના સ્થળે ધીરૂભાઇનું ઢીમ ઢાળી ભાગી છુટયા હતા. હત્યારાઓને પકડવા પોલીસને જાણ થતાં નાકાબંધી કરવામાં આવી હતી.

મૃતક ધીરૂભાઇ અને તેમના ભત્રીજાઓ વચ્ચે કરોડો રૂપિયાની કિંમતની ખેતીની જમીન અને મિલ્કતોનો લાંબા સમયથી કોર્ટમાં કેસ ચાલતો હોય આવી અનેક બાબતોને લઇ વેરઝેર ચાલતું હતું. આ અંગે મૃતક ધીરૂભાઇએ દોઢ વર્ષ પહેલા ભત્રીજા ઉપર ગોળીબાર કર્યો હતો તે અંગે હત્યાના પ્રયાસનો ગુનો પણ તેમની પર નોંધાયો હતો અને તેઓ કોર્ટમાં મુદ્દતે પણ જતા આ ઘટના બાદ કાકા - ભત્રીજા સામે બારમો ચંદરમો હતો. સામે ચાર આંખો પણ ભેગી થતી નહોતી.

'જર જમીન અને જોરૂ' આ ઉકિત મુજબ જમીનોના કેસ અને ફાયરીંગની ઘટના પછી ધીરૂભાઇ ગત સાંજે હત્યારાઓની હડફેટે ચડી જતાં તેમનું ઘટના સ્થળે ઢીમ ઢાળી દેવામાં આવ્યું હતું.

બનાવથી ધીરૂભાઇની અંતિમવિધિ સુધી ચુસ્ત પોલીસ બંદોબસ્ત રહેશે. પોલીસ હત્યારાઓને શોધવા અને ત્યારબાદ હત્યા કોઇ અન્ય કારણોસર કરવામાં આવી નથી તે અંગે તપાસ હાથ ધરી છે.

દરમિયાન જસદણના ભડલીમાં ગત રાત્રીના રાજવી પરિવારના મોભી અને એડવોકેટ ધીરૂભાઇ ગભરૂભાઇ ખાચરની હત્યાના પગલે મૃતકના પુત્ર જયદિપભાઇએ તેના કાકાના દીકરા સિધ્ધરાજ ઉર્ફે સિધુ રાજુભાઇ ખાચર અને અન્ય સાગ્રીતો સામે ફરિયાદ નોંધાવ્યા બાદ ભડલીમાં પોલીસના ધાડેધાડા ઉતારી દેવામાં આવ્યા છે.

 આ લખાય છે ત્યારે પોલીસ કોન્સ્ટેબલ, હથિયારધારી પોલીસ અને એસઆર પી જવાનોને ખડેપગે રખાયા છે અને ગામમાં સંપૂર્ણ સન્નાટો છવાયો છે. જસદણ પોલીસે નાસી છૂટેલ આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

વાડીએથી ઘરે આવતા'તા ને બજારમાં  જ ધીરૂભાઈ ખાચર પર ભડાકા કરાયાઃ ભાયુભાગમાં જમીન ઓછી મળતા અને મકાન ન મળતા ભત્રીજો સિદ્ધરાજ ગિન્નાયો'તોઃ ભડલીના સ્ટેટ-એડવોકેટ ધીરૂભાઈ રાજકોટ રહેતા'તા અને ખેતીકામ માટે વતનમાં ગયા'તાઃ બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી મૃતક ધીરૂભાઈએ અગાઉ ભત્રીજા સિદ્ધરાજ પર ખૂની હુમલો કર્યો'તો

રાજકોટ, તા. ૬ :. જસદણના ભડલી ગામે માજી રાજવી અને એડવોકેટ ધીરૂભાઈ ગભરૂભાઈ ખાચર (ઉ.વ. ૬૨)ની ક્રૂર હત્યામાં વડીલોપાર્જીત મિલ્કતનો ઝઘડો જ કારણભૂત હોવાનું બહાર આવ્યુ છે. માજી રાજવીની હત્યા કરનાર ભત્રીજા સિદ્ધરાજ રાજુભાઈ ખાચરને ભાયુભાગમાં ખેતીની જમીન ઓછી મળતા અને ગામમાં મકાન ભાગે ન આવતા કાકા ધીરૂભાઈ પર ગિન્નાયો હતો અને બન્ને વચ્ચે મિલ્કતના વિવાદ બાબતે કોર્ટમાં કેસ થયા હતા.

હત્યાનો ભોગ બનનાર ધીરૂભાઈએ મિલ્કતના વિવાદ બાબતે અગાઉ ભત્રીજા સિદ્ધરાજ પર પણ ખૂની હુમલો કર્યો હતો અને પોલીસમાં મૃતક ધીરૂભાઈ સામે ગુન્હો પણ નોંધાયો હતો.

મૃતક ધીરૂભાઈ ખાચર રાજકોટમાં અમીન માર્ગ પંચવટી પાસે આવેલ શ્રી કોલોનીમાં રહેતા હતા અને વકીલાત પણ કરતા હતા. વતન ભડલી ગામે ખેતીની જમીનની દેખરેખ માટે અવારનવાર ભડલી જતા હતા અને ત્યાં રોકાતા હતા. ગઈકાલે પણ ધીરૂભાઈ ખાચર ખેતીના કામ માટે ભડલી ગયા હતા અને વાડીએથી ઘેર આવતા હતા ત્યારે ગામની મેઈન બજારમાં ભત્રીજા સિદ્ધરાજ તથા તેના સાગ્રીતોએ અંધાધૂંધ ફાયરીંગ કરી ઢીમ ઢાળી દીધુ હતું. મૃતક ધીરૂભાઈ બે ભાઈઓ અને બહેનોમાં વચેટ હતા. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે.

ભડલી ગામે મૃતક ધીરૂભાઈ ખાચરના પરિવારને ૪૦૦ વીઘા ખેતીની જમીન છે. આ જમીનના ભાયુભાગમાં ડખ્ખો થતા તેમનો ભોગ લેવાયો હતો.(૨.૧૪)

(11:58 am IST)