Gujarati News

Gujarati News

News of Friday, 7th May 2021

મોરબીમાં કોરોનાથી બચવા માસ્કની ઉપયોગીતા માટે પપેટ શો

આરોગ્ય વિભાગ દ્વારા માસ્કના ઉપયોગ માટે લોકજાગૃતિ કેળવવા પ્રાચીન કલાનો સહારો લીધો, રાજ્યના આરોગ્ય વિભાગે કરી પ્રશંસા

મોરબી : પ્રાચીન કાળમાં કોઈપણ મેસેજને જનજન સુધી પહોંચાડવાનો હોય ત્યારે રંગલા-રંગલીનો સહારો લેવામાં આવતો હતો. આ રંગલા-રંગલી અનોખી રીતે ભવાઈ કરીને લોકો સુધી મેસેજ પહોંચાડતા ત્યારે હાલ કોરોનાના મહામારીમાં માસ્કની ઉપયોગીતા માટે મોરબી જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગે આ પ્રાચીન કલા એટલે રંગલા-રંગલીનો સહારો લીધો છે અને આ અંગેના પપેટ શો કરીને લોકોને કોરોનાથી બચવા માસ્કનો ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવે છે.
મોરબી જિલ્લા પંચાયતના આરોગ્ય શાખા દ્વારા હાલમાં કોરોના મહામારીમાં લોકો રક્ષણ મેળવી શકે તે માટે ખાસ માસ્કની ઉપયોગીતા અંગે નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં પેપટ શો કરીને માસ્કની ઉપયોગીતા અંગે જનજાગૃતિ ચલાવવામાં આવી રહી છે. આ પપેટ શોમાં રંગલા-રંગલીની કઠપૂતળી બતાવવામાં આવે છે. આ રંગલા-રંગલીના માધ્યમથી એવો સંદેશ અપાઈ છે કે હાલમાં કોરોના મહામારીમાંથી બચવાનો અગત્યનો ઉપાય એટલે ફરજિયાત માસ્ક પહેરવો. માટે બધા માસ્ક પહેરો અને પોતાને તથા બીજાને પણ કોરોનાથી બચાવો, માસ્કથી કોરોનાને મ્હાત એવો સંદેશ આપીને લોકજાગૃતિ કેળવવામાં આવે છે. આ પપેટ શોની રાજ્યના આરોગ્ય વિભાગે પણ નોંધ લીધી છે અને જિલ્લા આરોગ્ય શાખાના આ કાર્યને બિરદાવ્યું છે.

(10:44 pm IST)