Gujarati News

Gujarati News

News of Friday, 7th May 2021

સરધારમાં અરેરાટી : ૩પ દિવસમાં ૪૪ મૃત્યુઃ કોરોનાગ્રસ્તો માટે ટીમ ચેતન પાણનો સેવાયજ્ઞ

રાજકોટ તાલુકાના મોટા ગામમાં રપ થી ૪૦ વચ્ચેના ૧૪ લોકોએ જીવ ગુમાવ્યો

સરધારમાં કોરોનાના દર્દીઓ માટે ઓકિસજનના દવા આઇસોલેશન વગેરે માટે કાર્યરત રહેલ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ ચેતન પાણ અને તેના સાથીઓની તસ્વીર

રાજકોટ તા. ૭ : તાલુકામાં મોટા ગામો પૈકીના મોખરાની હરોળમાં રહેલા સરધારમાંં કોરોનાના કારણે કાળચક્ર ફરી વળ્યું છે. કોરોનાએ ૩પ દિવસમાં ૪૪ લોકોનો ભોગ લીધેલ જો કે હવે કોરાનાના કેસ અને મૃત્યુ આંકમાં ધરખમ ઘટાડો થતા ઓકટોબરમાં રાહત થઇ છે.

કોરોનાની બીજી લહેરની શરૂઆત વખતથી જ તાલુકા પંચાયતના સ્થાનિક સભ્ય ચેતન પાણ અને તેમના યુવા સાથીઓ સેવાર્થે કાર્યરત છે. કોઇપણ ભેદભાવ, ચાર્જ કે ડીપોઝીટ વગર પ૦ થી ૬૦ ઓકિસજન બોટલની વ્યવસ્થા કરવામાં આવેલ. જેનો સધાર અને આસપાસના ગામમાં દર્દીઓને લાભ મળેલ. સરધાર અને નજીકના પંથકમાં કોરોનાના ૧પ૦૦ કેસ નોંધાયેલ. રાજકોટના ડો. ભંડેરી તબીબી સેવા આપી રહ્યા છે. સેવાભાવી યુવાનોએ મોસંબી જયુસની વ્યવસ્થા કરી છે. ગ્રામ પંચાયતની લોકડાઉનની અપીલને વેપારીઓ માન આપેલ છે. મનસુખભાઇ પાણ, અરવિંદભાઇ પાણ, સંજયભાઇ પાણ (હાઇબોન્ડ સિમેન્ટ) વગેરેએ આર્થિક સહયોગ આપ્યો છે. ગામનું નમૂનારૂપ  શાંતિધામ (સ્મશાન) સતત કાર્યરત છે. ગ્રામજનોએ લાકડાની વ્યવસ્થામાં સહકાર આપ્યો છે.

સરપંચ પીન્ટુ ઢાંકેચા, ઉપસરપંચ ભુપત વડુકીયા, તાલુકા પંચાયતના કારોબારી સભ્ય ચેતન પાણ અને ગ્રામજનો સેવા કાર્ય કરી રહ્યા છે.

ગામના સુત્રોના જણાવ્યા મુજબ સરધાર ગામમાં ૧ એપ્રીલથી પ મે સુધીમાં ૪૪ મૃત્યુ નોંધાય છે. જેમાં ૧૪ લોકો રપ થી ૪૦ વર્ષની વયનાઅને ૧૮ લોકો ૪૧ થી ૬૦વર્ષની વચ્ચેની વયના હતા ૬૦ વર્ષથી ઉપરના ૧ર લોકોએ જીવ ગુમાવ્યા છે ચેતન પાણના જણાવ્યા મુજબ ઇશ્વર કૃપાથી ગામમાં કોરોનાનુંજોર હવે ધીમુ પડયું છે ટુંક સમયમાં પરિસ્થિતિ સંપૂર્ણ થાળે પડવાની આશા છે.

(3:11 pm IST)