Gujarati News

Gujarati News

News of Friday, 7th May 2021

સાવરકુંડલાઃ જસદણના ઉદ્યોગપતિ હેરશભાઇ ધાધલ દ્વારા ઓકિસજનની સેવા

સાવરકુંડલા તા. ૭ :.. જસદણનાં યુવા ઉદ્યોગપતિ અને કિસાન ઇન્ડસ્ટ્રીઝ, વાસુકી ગેસ્ટ હાઉસ, વાસુકી ગાર્ડન રેસ્ટોરન્ટનાં માલિક, હરેશભાઇ રાણીગભાઇ ધાધલ નામનાં કાઠી દરબારે જાણે કુદરતી કહેર સામે પોતાનાં સ્વખર્ચે અત્યાર સુધીમાં હજારો બોટલ ઓકિસજન જરૂરીયાતમંદ લોકો સુધી પહોંચાડીને ખૂટેલા શ્વાસને ફરી ધબકતા કર્યા છે.

ગુજરાતમાં જયાં કયાંથી ઓકિસજન પ્રાપ્ત થઇ શકે ત્યાં પોતાના ખર્ચે ટ્રકો દોડાવીને હોસ્પિટલો, ઉપરાંત ઘેર સારવાર લેતા કોરોનાગ્રસ્ત દર્દીઓને વિનામુલ્યે હજારો બોટલ ઓકિસજન પુરો પાડયો છે.

જસદણ તાલુકામાં ઓકિસજન મેન તરીકે ઓળખવા લાગેલા હરેશભાઇ, કોરોનાનાં  વોર્ડમાં, હોસ્પિટલમાં પોતે જાતે જે જરૂરીયાતમંદ દર્દીઓ હોય તેની જાત તપાસ કરી, પોતાના  હાથે ઓકસીજન બોટલ પહોંચાડવા લાગ્યા ત્યારે આ વાત તેમના વયોવૃધ્ધ માતાને ખબર પડતા હરેશભાઇની સ્વાસ્થ્યની ચિંતા તેમને સતાવવા લાગી અને તેમને ડર પેસી ગયો કે કયાંક સેવા કરવામાં તેમને કોરોનાનો ચેપ લાગી ન જાય ત્યારે હરેશભાઇએ જણાવ્યુ઼ કે, મારી નજર સામે હજારો પેશન્ટ ઓકસીજન માટે ટળવળતા હોય, તરફડી તરફડીને મરતા હોય અને હું મારી સલામતીનું વિચારૂ તો તો મારો ક્ષત્રિય ધર્મ લાજે હું માત્ર ને માત્ર મારી કે મારા પરિવારની કાળજી લઉવ તેવો સ્વાર્થી કેમ બની શકુ.

શાપર જીઆઇડીસી, મેટોડા જીઆઇડીસી, શિહોર જીઆઇડીસીના ઓકિસજન પ્લાન્ટમાં એક બોટલ દીઠ દસ હજાર ડીપોઝીટ પોતાના ખિસ્સામાંથી ભરી, ર૦૦ ઓકિસજન બોટલની વ્યવસ્થ ઉભી કરી હતી, સામાન્ય ગરીબ, લાચાર દર્દીઓને વિનામૂલ્યે ઓકીસજન પુરો પાડયો  અને છેલ્લા એક મહિનામાં આ ર૦૦ બોટલને શાપર, શિહોર, મેટોડામાં રીફીલીંગ કરી અંદાજે પ૦૦૦ ઓકિસજનની બોટલો સમગ્ર જસદણ પંથકમાં પહોંચાડી હતી.

છેલ્લા લગભગ દોઢેક મહિનાથી રાત દિવસ એક કરી ઓકિસજન અભિયાન આદરીને ધુણી ધખાવીને બેઠેલા હરેશભાઇ દુઃખ સાથે જણાવે છેકે, એકણ રૂપિયો ડીપોઝીટ લીધા વગર ઓકિસજનની બોટલો આપીએ છીએ ત્યારે કેટલાય વ્યકિતઓ ઓકિસજન બોટલની જરૂરીયાત પુરી થઇ ગયા પછી પરત જમા કરાવવા આવતા નથી ને બોટલો ગામે ત્યાં રેઢી મુકી દે છે પરિણામે બોટલોની ઘટ સર્જાય છે. અને ખરેખર ઇમરજન્સીમાંં જરૂરીયાત વાળાઓને બોટલો મળતી નથી.

સમગ્ર જસદણ પંથકમાંથી ૯૯૦૯૩ ૬૮૬૪૪ ઉપર અભિનંદ વર્ષા થઇ રહી છે.

(1:05 pm IST)