Gujarati News

Gujarati News

News of Friday, 7th May 2021

કચ્છમાં ૬ મોત : નવા ૧૮૭ કેસ : કોરોનાની સારવારમાં સચિવ જે.પી. ગુપ્તા અને મંત્રી આહીરના વાયદાઓ પછીયે અધૂરાશો

કોઠારાની મહિલાને ઓકિસજન ન મળતાં મોત : મુન્દ્રામાં ઓકિસજન, વેન્ટિલેટરની તંગી, કોરોના સારવારમાં 'મા કાર્ડ', આયુષ્યમાન કાર્ડ હજીયે ચાલતા ન હોવાની રાવ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા. ૭: કોરોનાની આ વખતની બીજી લહેર કચ્છના ગ્રામીણ અને શહેરી બન્ને વિસ્તારોમાં દ્યાતક બની છે. વધુ ૬ મોત અને નવા ૧૮૭ કેસ સાથે સારવાર લેતાં દર્દીઓની સંખ્યા વધીને ૨૯૬૨ થઈ છે.

જોકે, સારવાર બાબતે કચ્છમાં મચેલી ભારે બૂમરાણ પછી પ્રભારી સચિવ જે.પી. ગુપ્તાને ભુજ દોડાવાયા. પૂર્વ રાજયમંત્રી તારાચંદ છેડાએ મુખ્યમંત્રી વિજયભાઈને કચ્છને કોરોનાથી બચાવવા ઓકિસજન, ઈન્જેકશન અને પૂરતા બેડની વ્યવસ્થા કરવા લખેલા પત્ર પછી રાજયમંત્રી વાસણભાઈ આહીરે પત્રકાર પરિષદ યોજી નવા ૩૦૦૦ બેડ સાથે ઓકિસજન, ઈન્જેકશન સહિતની સારવારની તમામ અધૂરાશો દૂર કરી પૂરતી વ્યવસ્થા ગોઠવવાના દાવાઓ કર્યા. સચિવ ગુપ્તાએ પારદર્શક વહીવટ સાથે સારવારની માહિતી માટેના દાવાઓ કર્યા પણ હજીયે સારવારના પૂરતા ઠેકાણા નથી.

મુન્દ્રા તાલુકામાં કોરોનાની સારવારમાં દર્દીઓને ઓકિસજન, વેન્ટિલેટર અને બાયપેપની અછતને કારણે થતી મુશ્કેલી અંગે કચ્છ કોંગ્રેસ પ્રમુખ યજૂવેન્દ્રસિંહ જાડેજા અને મુન્દ્રા શહેર પ્રમુખ કપિલ કેસરિયાએ પ્રાંત અધિકારી કે.જી. ચૌધરીને રજૂઆત કરી છે. તો, કોઠારાના ૫૬વર્ષીય મહિલા દર્દીનું ઓકિસજન ના અભાવે મોત નીપજયું હોવાનો આક્ષેપ તેમના પરિવારજનોએ કર્યો છે. જોકે, હજીયે સમગ્ર જિલ્લામાં રેમડેસિવિર ઈન્જેકશન માટેની દર્દીઓના પરિવારજનોની મુશ્કેલી હળવી થઈ નથી.

તો, સૌથી વધુ આર્થિક મુશ્કેલી કોરોનાની સારવાર બાબતે જોવા મળે છે. મુખ્યમંત્રીની જાહેરાત પછી ભુજમાં રાજયમંત્રી વાસણભાઈ આહીરે કરેલી જાહેરાત બાદ કચ્છની ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની સારવારમા 'માં કાર્ડ' અને આયુષ્યમાન કાર્ડ હજીયે સ્વીકારાતા નથી. લોકોને પડતી મુશ્કેલીઓ બાબતે કંટ્રોલ રૂમ મારફતે યોગ્ય માર્ગદર્શન મળવું જોઈએ. તો જ, લોકોની મુશ્કેલીઓ હળવી થાય.

(11:09 am IST)