Gujarati News

Gujarati News

News of Friday, 7th May 2021

ગોંડલ પાલિકાના ચીફ ઓફિસર અને સર્વેયરને કોંગ્રેસ પ્રમુખ દ્વારા ટાંટિયા ભાંગી નાખવાની ધમકી

પાલિકા પાસે માગવામાં આવેલ આરટીઆઇનો જવાબ તમે બંને આપતા નથી જોઇ લઇશ : તમારા બંનેની કામકાજમાં ભાગ બટાઇ હોય છે તેવા આક્ષેપો કરી ધમકી આપી

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા)ગોંડલ,તા. ૭: ગોંડલ નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ સર્વેયર ને આર.ટી.આઈ.ની માહિતી ન આપવા બાબતે શહેર કોંગ્રેસ પ્રમુખે પાલિકાએ આવી ચીફ ઓફિસરની ઓફિસમાં ગાળો ભાંડી ટાટિયા ભાંગી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાવા પામી છે.

બનાવ અંગેની પોલીસ ફરિયાદ નગરપાલિકામાં સતત ૨૯ વર્ષથી સર્વેયર તરીકે ફરજ બજાવતાં બિમલકુમાર રમણીકભાઈ જેઠવા દ્વારા કૈલાશ બાગ સોસાયટીમાં રહેતા કોંગ્રેસ પ્રમુખ આશિષ રસિકભાઈ કુંજડીયા વિરુદ્ઘ નોંધાવવામાં આવી છે જેમાં જણાવાયું છે કે આશિષ કુંજડીયા ચીફ ઓફિસર એચ કે પટેલની ઓફિસમાં ધસી આવ્યો હતો અને ઝદ્યડો કરવા લાગ્યો હતો કે તમારા તરફથી આર.ટી.આઈ.ની માહિતી કયારેય આપવામાં આવતી નથી આ વ્યાજબી થતું નથી ઉપવાસ ધરણાં કરીશું પાલિકા દ્વારા થતા કામકાજમાં તમારા બંનેની ભાગ બટાઈ છે તેવા આક્ષેપો કરી ઓફિસની બહાર નીકળો એટલે ટાંટિયા ભાંગી નાખું જેવી ધમકી આપી હતી સીટી પોલીસે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

(10:04 am IST)