Gujarati News

Gujarati News

News of Monday, 7th May 2018

૪.૪૨ લાખના ખર્ચે તળાવ ઉંડુ કરવાની કામગીરીનો પ્રારંભ કરાયો-સરપંચ ભરતભાઇ

કોડીનારના મોરવડનું કુડા તળાવ જળસંચય સાથે શ્રમીકોને રોજગારી આપવાનું માધ્યમ બન્યું

ગીર સોમનાથ તા. -૭,  ગીર-સોમનાથ જિલ્લામાં સુજલામ સુફલામ યોજના તળે તા. ૧ લી મે થી જળસંગ્રહ અભિયાન શરૂ કરાયું છે. જે અંતર્ગત કોડીનાર તાલુકાનાં મોરવડ ગામે મનરેગા યોજના હેઠળ  કુડા તળાવ ઉંડુ ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

 પોતાના ગામના તળાવને ઉંડુ ઉતારવાની કામગીરી અંગે સંતોષ વ્યકત કરતા કરસનભાઈ ચાવડાએ કહયુ કે, સુજલામ સુફલામ યોજના અંતર્ગત મનરેગા યોજના હેઠળ આ તળાવ ઉંડુ ઉતારવા માટે ૪૪ જેટલા શ્રમીકો કામગીરી કરી રહ્યા છે. આ કામગીરી થી તમામ શ્રમીકોને દરરોજ વેતન તરીકે રૂ.૧૭૦ થી ૧૮૦ સમયસર મળી રહે છે. આ તળાવ ઉંડુ ઉતારવાથી ચોમાસાની મોસમમાં પાણીનો  સંગ્રહ થવા સાથે અમારા માટે આ તળાવ રોજગારી રળવાનું માધ્યમ બન્યુ છે. અહિંથી પસાર થતી સાંગાવાડી નદીની  બરોબર તળાવમાં ભરપુર પાણીનો સંગ્રહ થાય તો મોરવડ, આલીદર, વિઠ્ઠલપુર અને બોરવા સહિતના ગામોને  લાભ થાય તેમ છે.

  કરસનભાઈએ વધુમા ઉમેર્યું હતું કે, મારા પત્ની જયાબેન સાથે અમે રોજ સવારે આ તળાવ ઉંડુ ઉતારવાની કામગીરીમાં સહભાગી થઇએ છીએ અને સમયસર કામગીરી કરવાની સાથે સરકાર તરફથી પુરતુ વેતન ચુકવવામાં આવે છે તેમાં પણ અમને સંતોષ છે.

કુડા તળાવ રૂ.૪.૪૨ લાખના ખર્ચે ઉંડુ ઉતારવાની કામગીરી કરવામાં આવી રહી છે, તેમ જણાવી મોરવડના સરપંચશ્રી ભરતભાઈ કછોટે સુજલામ સુફલામ અભિયાનને બિરદાવતા જણાવ્યું હતું કે, અમારા ગામની વસ્તી ૨૦૦૦ ની આસપાસ છે. મનરેગા યોજના હેઠળ અહિંયા કુડા તળાવ ઉંડુ કરવાની કામગીરી હાથ ધરવાની સાથે શ્રમીકોને રોજગારી મળી રહી છે. વહી જતા વરસાદી પાણીનો તળાવ ઉંડુ કરવાથી સંગ્રહ થશે જેનાથી જળસંચય થતા આવનારા સમયમાં મોરવડ અને તેની આજુબાજુના વિસ્તારના લોકો અને ખેડૂતોને લાભ થશે.(૨૨.૫)

(11:59 am IST)