Gujarati News

Gujarati News

News of Monday, 7th May 2018

આઇટીઆઇના નવા અભ્યાસક્રમોના કારણે યુવાનોને મોટી કંપનીઓમાં રોજગારીની તકઃ ચિમનભાઇ સાપરીયા

ખંભાળીયામાં આજીવિકા - રોજગાર દિવસની ઉજવણીઃ કરારપત્ર, ચેક, પ્રમાણપત્રોનું વિતરણ

ખંભાળીયા તા. ૭ : સ્વ સહાય જુથની બહેનોના સશકિતકરણ અને યુવાનોને રોજગારલક્ષી તાલીમ મળી રહે તે હેતુથી દેવભૂમિ દ્વારકાના મુખ્ય મથક ખંભાળીયા ખાતે ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત આજીવિકા/ રોજગાર દિવસની ઉજવણી પુર્વ મંત્રી ચિમનભાઇ સાપરીયાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી. શ્રી સાપરીયાએ જણાવ્યું કે ભારત સરકારની વિવિધ યોજનાઓનો લાભ, માહિતી અને માર્ગદર્શન મળી રહે તે હેતુથી વડાપ્રધાને ગ્રામ સ્વરાજ અભિયાન કાર્યક્રમ અમલમાં મુકયો છે. જેના ભાગરૂપે રોજગાર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. રાજયના યુવાનોને ઉચ્ચ શિક્ષણ મળી રહે તે હેતુથી ૫૦ થી વધુ યુનિવર્સિટીઓ સ્થાપવામાં આવી છે. તેમજ દરેક તાલુકા મથકે કોલેજો તેમજ આઇ.ટી.આઇ. શરૂ કરવામાં આવી છે. આઇટીઆઇમાં નવા જરૂરીયાત પ્રમાણેના અભ્યાસક્રમોના લીધે આજે યુવાનોને મોટી મોટી કંપનીઓમાં સારી રોજગારી મેળવવાની તક મળી છે.

આ તકે કલેકટર જે.આર. ડોડીયાએ જણાવ્યું કે સરકારી નોકરી દરેકને નથી મળતી પરંતુ સરકાર દ્વારા મળતી વિવિધ સહાયથી સ્વરોજગારી મેળવી આર્થિક પગભર થઇ શકીએ છીએ. રાજય સરકારે ૧લી મે થી મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના શરૂ કરી છે. જે મુજબ દરેક ફેકટરરીમાં ૧૦ ટકા વ્યકિતઓને એપ્રેન્ટીસ રાખવા ફરજીયાત છે.

જિલ્લા વિકાસ અધિકારીશ્રી રાવલે જણાવ્યું કે રોજગારી આપવામાં સમગ્ર દેશમાં ગુજરાત પ્રથમ ક્રમે છે. સરકાર જયારે રોજગારી આપવા કટીબધ્ધ હોય ત્યારે યુવાનોએ મોટા સપના રાખી તેને સાર્થક કરવા સખત મહેનત કરવી જોઇએ. અગાઉના સમયમાં દિકરીને સાસરે મુકવાની ચિંતા થતી હતી આજના વાલીઓને દિકરાઓની રોજગારીની ચિંતા વધારે હોય છે.

આઇ.ટી.આઇ. ખંભાળીયાના આચાર્યશ્રી પટેલે ઓદ્યોગિક તાલીમ સંસ્થાની ભુમિકા અને માહિતી આપી જણાવ્યું કે મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના અન્વયે જિલ્લાના મોટા ઓદ્યોગિક એકમોમાં અદ્યતન ટેકનાલોજીનો ઉપયોગ થતો હોય ત્યાં એપ્રેન્ટીસ તાલીમ આપવામાં આવે છે જેથી વિદ્યાર્થીઓનું કૌશલ્ય વિકસે છે અને સારી રોજગારી મેળવી શકે છે.

આ તકે નવજીવન ટ્રસ્ટના મેનેજર ભરત બુજડે યુવાનોને રોજગાલક્ષી તાલિમ વિષે માહિતી આપી યુવાનોમાં રહેલ શકિતને જાગૃત કરી કૌશલ્ય બહાર લાવવા જણાવ્યું હતું.

સખીમંડળના સ્વસહાય જુથના બહેનો શ્રી રમાબેન તથા રૂપીબેનએ સરકારશ્રી દ્વારા મળેલ સહાયથી ઘરબેઠા હસ્તકલાનું કામ કરી આર્થિક રીતે પગભર થયા તેની સાફલ્યગાથા વર્ણવી હતી. 

કાર્યક્રમમાં જોશી રોહિતભાઇ, ડુવા ભીમશીભાઇ, મકવાણા નાથાભાઇ તથા કણઝારીયા અશ્વીનભાઇને મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજનાના કરારપત્ર મહાનુભાવોના હસ્તે આપવામાં આવ્યા હતા. જિલ્લાના ચાર સખીમંડળોને રૂપીયા એક એક લાખના ધિરાણના ચેકો આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત સખી મંડળની બહેનોને રીવોલ્વીંગ ફંડની રકમ તથા પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા. સ્વાગત પ્રવચન ગ્રામ વિકાસ એજન્સીના નિયામક વી.પી. પટેલે તથા આભારવિધી તાલુકા પંચાયતના વર્ષાબેન ગોહિલે કરી હતી.

કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ  કાળુભાઇ ચાવડા, તાલુકા પંચાયત પ્રમુખ  મશરીભાઇ નંદાણીયા, નગરપાલિકા પ્રમુખ  શૈલેષ કણઝારીયા, ઉપપ્રમુખ ફાલ્ગુનીબેન, જિલ્લા રોજગાર અધિકારીશ્રી ભદ્રા, અગ્રણીઓ, વિદ્યાર્થીઓ વગેરે ઉપસ્થિત રહયા હતા.(૨૧.૪)

(9:48 am IST)