Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

વાંકાનેરમાં બે દિ'માં કોરોનાથી ૫ના મોત

નગરપાલિકાના ૪ કર્મચારીઓના રિપોર્ટ પોઝિટિવ - સારવારમાં : સરકારી કોવિડ હોસ્પિટલ અને ખાનગી દવાખાનાઓમાં દર્દીઓની ભીડ

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા. ૭ : વાંકાનેરમાં કોરોના તેનું ભયાવહ સ્વરૂપ લઇ રહ્યો હોય તેમ છેલ્લા બે દિવસમાં ત્રણ પુરૂષો અને બે મહિલાઓ સાથે કુલ પાંચ વ્યકિતઓના મોત થયા છે.

જાણવા મળતી વિગત મુજબ ભાજપ કાર્યાલયના મંત્રી મનુભા રાણા તથા સ્કૂલના શિક્ષક શ્રી કાપડીયા, લોહાણા અગ્રણી નવિનચંદ્ર છોટાલાલ ગણાત્રા તથા ક્ષત્રિય સમાજના પ્રફુલાબા શકિતસિંહ જાડેજા અને ઇલોરા પાનવાળા મહેબૂબભાઇના ધર્મપત્ની હિત કુલ પાંચ વ્યકિતઓ કોરોનાથી મૃત્યુ પામ્યા છે.  આ દરમિયાન વાંકાનેર નગરપાલિકાના ૪ કર્મચારીઓના રિપોર્ટ પોઝિટિવ આવતા તમામને સારવાર માટે ખસેડેલ છે.

વાંકાનેરમાં છેલ્લા દસેક દિવસથી કોરોના લક્ષણો ધરાવતા દર્દીઓમાં ઉતરોત્તર વધારો જોવા મળી રહ્યો છે. અનેક હોસ્પિટલોમાં દર્દીઓની લાઇનો જોવા મળી રહી છે. જ્યારે સરકારી કોવિડ હોસ્પિટલમાં ડો. નીરવ સાથેની વાતચીતમાં હાલ ૧૩ કોરોના પોઝિટિવ દર્દીઓ દાખલ છે. જ્યારે કોરોના શંકાસ્પદ ૫૧ દર્દીઓ આરપીસીના રીપોર્ટ લેબ દ્વારા તપાસ હાર્થે મોકલાયા છે.

જ્યારે પ્રાઇવેટ હોસ્પિટલોમાં દર્દીઓની લાઇનો જોવા મળે છે. અનેક પ્રાઇવેટ હોસ્પિટલો કોરોનાના કારણે બંધ કરવામાં આવી છે અને ડોકટરો પણ સારવાર માટે હોસ્પિટલોમાં દાખલ થયાની વિગતો ચર્ચાઇ રહી છે. વાંકાનેરમાં છેલ્લા છએક દિવસથી કેટલાક વધુ દર્દીઓના મોત થયા છે પરંતુ તેઓનો કોઇ રીપોર્ટ હજુ સુધી બહાર આવ્યો નથી.

મોરબી જિલ્લા પંચાયત હસ્તકની (સરકારી) કોવિડ હોસ્પિટલમાં સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. વાંકાનેર નગરપાલિકા સફાઇ ગંદકી અને રોગચાળાને નાથવા વહીવટી અધિકારીની ગેરહાજરીએ ઉંધા માથે જોવા મળે છે. વાંકાનેર ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોનાએ જબ્બર માથું ઉંચકયાના અહેવાલો મળી રહ્યા છે.

(10:59 am IST)