Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

ગુરૂવારે શબે બરાતઃ ઘરમાં જ નમાઝ પઢી, કબ્રસ્તાન નહીં જવા મુસ્લિમોને અનુરોધ

રાજકોટ, તા.૭: હાલ કોરોના વાઇરસને કારણે સમગ્ર ભારત ભરમાં લોકડાઉન અમલમાં છે ત્યારે એપેડેમીક ડીસીઝ એકટ મુજબના કાયદાઓ પણ લગાવવામાં આવ્યા છે ઉપરાંત વધુ માણસો ભેગા ન થાય અને સોસીયલ ડિસ્ટનસિંગ જળવાય તે માટે દરેક જગ્યાએ ધારા ૧૪૪ પણ લાગુ કરાઈ છે.

આગામી ૯ એપ્રિલ ગુરુવારની રાત્રે મુસ્લિમ સમાજ માટે મોટી ઈબાદત માટેની રાત આવી રહી છે જેને શબે બરાત તરીકે પણ ઓળખાય છે આ દિવસે મુસ્લિમ બિરાદરો રોજા રાખે છે તેમજ માન્યતા પ્રમાણે સાંજે સમૂહમાં નમાજ અદા કરી અલ્લાહ ની ઈબાદત કરે છે અને રાત્રે કબ્રસ્તાન જઈ મૃત્યુ પામેલા પોતાના પરિજનોની કબર પાસે જઈ તેમની રૂહ માટે દુઆ કરે છે ઉપરાંત આ રાત્રે જીવનની પાછલા વર્ષ ની હિસાબ કિતાબની ડાયરી બન્ધ થાય છે અને નવી ડાયરી શરૂ થાય છે.

ચાલુ વર્ષે કોરોનાએ સમગ્ર વિશ્વને બાનમાં લીધું છે ત્યારે રાજપીપળાના જામા મસ્જિદ ટ્રસ્ટના પ્રમુખ શરીફખાન ગરાસિયા તેમજ કબ્રસ્તાનના પ્રમુખ હસનભાઈ તાઈ દ્વારા સમગ્ર મુસ્લિમ બિરાદરોને ઘરેજ રહી ઈબાદત કરવાની અપીલ કરી છે તેમજ આ મોટી ઈબાદતની રાત્રે કોરોના મહામારીનો અંત આવે તેવી દુઆ કરવા પણ ખાસ આહવાન કરાયું છે. ઉપરાંત મસ્જિદમાં તેમજ કબ્રસ્તાનમાં ન જઈ ઘરેથીજ પોતાના મરહુમોને ઈસાલે સવાબ કરે તેવી પણ અપીલ કરી છે. મસ્જિદ તેમજ કબ્રસ્તાનની બહાર લોકડાઉનનું પાલન કરવાની સૂચના આપતા બોર્ડ પણ લગાવાયા છે. અને લોકડાઉનના પાલનમાં પ્રશાશન અને પોલીસને તમામ મુસ્લિમ બિરાદરો પૂરતો સહકાર આપે તેવી પણ અપીલ કરી હતી.

અમરેલી

અમરેલી જીલ્લા સમસ્ત મુસ્લિમ સમઙ્ગાજ દ્વારા તમામ મસ્જિદો, કબ્રસ્તાન, તમામ દરગાહ ટ્રસ્ટ, તમામ ટ્રસ્ટો સર્વેને દેશમાં હાલ કોરોના (કોવીડ-૧૯) વાયરસની મહામારીનાં પગલે ૨૧ દિવસનું સંપૂર્ણ લોકડાઉન જાહેર કરવામાં આવેલ છે અને આ સંદર્ભે જાહેરનામુ પણ બહાર પાડવામાં આવેલ છે. તેથી તા.૯-૪-૨૦૨૦ને ગુરૂવારનાં રોજ શબે બરાતની (મોટીરાત) હોય પરંતુ સરકારશ્રીનાં આદેશ અનુસાર પાવન પૂર્વ નિમિતે કોઇ પણ વ્યકિતને મસ્જિદ, કબ્રસ્તાન, દરગાહ જેવા ધાર્મિક સ્થળો ઉપર ન જવા માટે અપીલ કરવામાં આવેલ છે.

શબે બરાતની રાતે પોતાના ઘરોમાં જ રહી નમાઝ સલાત, ફાતીહા દુરૂદ ઇબાદત કરી પોતાના મરહુમોને ઇસાલે સવાબ મોકલવા અને ખાસ કોરાના જેવી મહામારી બિમારીથી આપણા દેશની રક્ષા થાય, કોમી ભાઇચારો જળવાઇ રહે અને આપણો દેશ ખુબ જ પ્રગતિ કરે તેવી અલ્લાહ ત્આલા પાસે દુઆ માંગવી. તેમ અમરેલી જિલ્લા સમસ્ત મુસ્લિમ સમાજનાં અગ્રણી એવા સૈયદ મહેમુબરહેમાન કાદરી દ્વારા યાદીમાં જણાવેલ છે.

(11:53 am IST)