Gujarati News

Gujarati News

News of Sunday, 7th March 2021

મહાશિવરાત્રી પર ૪૨ કલાક સોમનાથ મંદિર ખુલ્લું રહેશે

પરિસરમાં પાલખી યાત્રા પણ થશે : કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવામાં આવશે

સોમનાથ, તા. ૭ : ભગવાન શિવની આરાધનનો પર્વ એટલે મહાશિવરાત્રી. મહાશિવરાત્રીના દિવસે શિવાલયોમાં વહેલી સવારથી જ ભક્તોની ભીડ ઉમટતી હોય છે અને 'હર હર ભોલે'ના નાદથી આખુ મંદિર ગૂંજી ઉઠતું હોય છે. છેલ્લા એક વર્ષથી કોરોના મહામારીના કારણે દરેક તહેવારો અને ઉત્સવોની ઉજવણીની રીત બદલાઈ ગઈ છે. ૧૧મી માર્ચે શિવરાત્રી છે ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના મંદિરમાં કોરોનાની ગાઈડલાઈન સાથે મહાશિવરાત્રીની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. મહાશિવરાત્રીના દિવસે સોમનાથ મંદિરના દ્વાર ભાવિકો માટે વહેલી સવારે ૪ કલાકે ખુલ્યા બાદ સળંગ ૪૨ કલાક સુધી ખુલ્લા રહેશે. આ દરમિયાન સોમનાથ મહાદેવને ધ્વજારોહણ, ચાર પ્રહરની મહા પૂજા-આરતી, પાલખીયાત્રા સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

સોમનાથ મંદિર ટ્રસ્ટના અધિકારી દિલીપસિંહ ચાવડાએ જણાવ્યું કે, મહાશિવરાત્રીના દિવસે સોમનાથ મંદિરમાં આવતા તમામ ભાવિકોએ માસ્ક ફરજિયાત પહેરવાની સાથે કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવું પડશે. મંદિરમાં ભાવિકોના પ્રવેશથી લઈને બહાર નીકળવાના માર્ગે ભીડ ન થાય તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ૧૧મી માર્ચે સવારે ૪ વાગ્યે સોમનાથ મંદિરના દ્વાર ભક્તો માટે ખુલશે. ત્યારબાદ સળંગ ૪૨ કલાક સુધી ખુલ્લા રહ્યા બાદ બીજા દિવસે એટલે કે શુક્રવારની રાતે ૧૦ વાગ્યે બંધ થશે. સવારે ૯ વાગ્યે પાલખીયાત્રા નિકળશે જે ફક્ત પરિસરમાં જ ફરશે.

ભગવાનના દર્શને આવતા દિવ્યાંગો અને વૃદ્ધો માટે પાર્કિંગથી મંદિર સુધી વિનામૂલ્યે રિક્ષાની વ્યસ્થા, પરીસરમાં ઈ-રિક્ષા અને વ્હીલચેરની સુવિધા રાખવામાં આવશે. મેડિકલ ટીમ પણ ત્યાં ઉપસ્થિત રહેશે. દર વર્ષે મંદિર બહાર હમીરજી સર્કલ આસપાસ પ્રસાદી માટે ચારેક સંસ્થાઓ દ્વારા ભંડારાનું આયોજન કરવામાં આવે છે. આ વખતે ભંડારાનું સ્થળ બદલીને ચોપાટી ગ્રાઉન્ડ ખાતે તેનું આયોજન કરવામાં આવશે. જ્યારે સાંસ્કૃતિક કાર્યક્રમ શ્રી રામ મંદિરના ઓડિટોરિયમમાં મર્યાદિત લોકોની હાજરીમાં યોજાશે અને ડિજિટલ પ્લેટફોર્મ પર તેનું પ્રસારણ પણ કરવામાં આવશે. જૂનાગઢમાં મહાશિવરાત્રીએ યોજાતા મેળામાં આ વખતે કોરોનાને લઈને લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જ્યારે સાધુ-સંતો ધાર્મિક પૂજાવિધિ કરી મેળાની પરંપરા જાળવશે. જૂનાગઢમાં બહારથી આવતા પ્રવાસીઓની ભીડ એકઠી ન થાય તે માટે ગીરનાર પર શરુ કરાયેલા રોપ-વેને આજથી ૧૧મી માર્ચ (મહાશિવરાત્રી) સુધી બંધ રાખવામાં આવશે.

મહાશિવરાત્રીએ ભવનાથની તળેટીમાં પાંચ દિવસનો મેળો યોજાય છે. જેમાં લાખો ભક્તો ઉમટે છે. ત્યારે ચાલુ વર્ષે મહામારીને લઈને મેળામાં લોકોના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવી તે ફક્ત સાધુ-સંતો પૂરતો મર્યાદિત રહેશે. રોપ-વેનું સંચાલન કરતી કંપનીના અધિકારીએ જણાવ્યું કે, ભક્તોમાં રોપ-વે પ્રત્યેનું અનોખુ આકર્ષણ છે. તેથી સતર્કતાના ભાગરુપે જ મહાશિવરાત્રીના દિવસ સુધી રોપ-વે સેવા બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.

(9:45 pm IST)
  • રાજકોટ એરપોર્ટ ઉપર રાજકોટ અને હૈદરાબાદને જોડતી પહેલી સીધી ફ્લાઇટનું ભવ્ય રીતે વોટર તોપની સલામી વડે આજે સ્વાગત કરવામાં આવ્યું હતું. તમામ આગમન કરનારા અને મુસાફરોને મીઠાઇ સાથે મીઠું મોઢું કરાવવામાં આવ્યું હતું. ફ્લાઇટના ક્રૂ મેમ્બર્સનું ફૂલ ગુચ્છથી સ્વાગત કરાયું હતું. access_time 12:30 pm IST

  • મહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ વણસ્તા 11 માર્ચથી 4 એપ્રિલ સુધી મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં આંશિક લોકડાઉન કરવામાં આવશે. રોજિંદુ જીવન સવારે 6 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી સામાન્ય રહેશે. પરંતુ અઠવાડિયાના છેલ્લા બે દિવસ શનિવાર અને રવિવારે સંપૂર્ણ લોકડાઉન લાદવામાં આવશે તેમ જાણવા મળે છે. access_time 11:36 pm IST

  • સવારના પહોરમાં જમ્મુ-કાશ્મીરના ડોડા પંથકમાં ભૂકંપના હળવા આંચકા : જમ્મુ-કાશ્મીરના ડોડા જીલ્લામાં આજે ૪.૪૦ મિનિટે ૨.૯ મેગ્નિટ્યુડની માત્રાના ભૂકંપના આંચકા આવ્યાનું નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું છે. access_time 11:01 am IST