Gujarati News

Gujarati News

News of Wednesday, 7th March 2018

મોરબીમાં દાંડીયારાસ પ્રસંગમાં વરરાજાની સાયકલમાં એન્ટ્રી

મોરબી તા. ૭ : હાલ લગ્નસરાની મોસમ પુર બહારમાં ખીલી છે અને ઠેર ઠેર લગ્નના માહોલ જોવા મળી રહ્યા છે ત્યારે મોરબી જેવા સમૃદ્ઘ નગરમાં વધતા વાહનો સાથે પ્રદુષણની સમસ્યા વધી રહી હોય જેથી વરરાજાએ સાયકલથી એન્ટ્રી કરીને સુંદર સંદેશો આપ્યો હતો.

ઓદ્યોગિક નગરી મોરબીમાં પ્રદુષણ જેવા ગંભીર પ્રશ્નો માથું ઊંચકી રહ્યા છે અને લોકોના આરોગ્ય પર અસર કરતા પ્રદુષણ સામે નાગરિકોમાં જાગૃતતા લાવવી આવશ્યક હોવાથી મોરબીના યુવાન ઉદ્યોગપતિએ સુંદર પહેલ કરી છે. મોરબીના વરમોરા અને સોનેકસ ગ્રુપના ભાગીદાર અભી વિનોદભાઈ લેન્ચીયા નામના યુવા ઉદ્યોગપતિના શુભ લગ્ન હોય જે સંદર્ભે ગત રાત્રીના દાંડિયારાસની રમઝટ જામી હતી જોકે દાંડિયારાસમાં વરરાજા મોંઘી કાર કે ઘોડા પર નહિ પરંતુ સાયકલ પર પહોંચ્યા હતા. વરરાજાએ ઉપસ્થિત મહેમાનોને પ્રદુષણ રોકવા માટે નાગરિકોની ફરજ પ્રત્યે અવગત કરાવ્યા હતા અને પ્રદુષણ સામેની લડતમાં દરેક નાગરિક સહયોગ આપે તેવી અપીલ પણ કરવામાં આવી હતી આમ લગ્ન જેવા શુભ પ્રસંગોએ પણ સામાજિક જવાબદારીનું વહન કરનાર આ વરરાજાની પહેલને સૌ કોઈ બિરદાવી રહયા છે અને તેમનો સંદેશ અસરકારક રીતે મહેમાનો સુધી પહોંચાડવામાં આવ્યો હતો.

(1:14 pm IST)