Gujarati News

Gujarati News

News of Wednesday, 7th March 2018

મોરબી નીખિલ ધામેચા હત્યા કેસઃ ૨૨મીઅે વિધાનસભા પટાંગણમાં પરિવારના ૪ સદસ્યોની આત્મવિલોપનની ચિમકી

 

ફોટોઃ મોરબી નીખિલ ધામેચા પેરેન્ટ્સ આત્મવિલોપન ચિમકી

મોરબીઃ ૩ વર્ષ પહેલા નીખિલ ધામેચાની હત્યા કરાયેલ હાલતમાં લાશ મળી આવ્યા બાદ આ પ્રકરણમાં હજુ સુધી કોઇ ઝડપાયું નથી, જેની સામે પરિવારજનોઅે ભારે આક્રોશ વ્યક્ત કરીને તા.૨૨મીઅે વિધાનસભા પટાંગણમાં આત્મવિલોપન કરવાની ચિમકી આપતા સનસનાટી મચી ગઇ છે.

મોરબીના ચકચારી નીખિલ ધામેચા હત્યા કેસ મામલે સ્થાનિક પોલીસ બાદ છેલ્લે સીઆઈડીને તપાસ સોપવામાં આવી હતી. છતાં પણ તપાસ ઠેરની ઠેર જોવા મળી રહી છે ત્યારે મૃતક નીખિલના પિતાએ આજે રાજ્યના મુખ્યમંત્રીને તેમજ સ્થાનિક એસપી અને કલેકટરને લેખિત આવેદનમાં જણાવ્યું છે કે, ગત તા. ૧૫-૧૨-૨૦૧૫ ના રોજ સ્કૂલેથી છૂટી ઘેર જતી વેળાએ અપહરણ બાદ તેની હત્યા કરાયેલી લાશ મળી હતી. જે મામલે રાજ્યની સીઆઈડી પોલીસ જે તપાસ કરે છે તેણે હત્યારાના સગડ મળ્યા નથી. અમોને શંકાસ્પદ ઈસમોની તપાસ કરવા કહીએ છીએ તે કરતા નથી. આ બનાવને રફેદફે કરે છે. મોરબીના તત્કાલીન ધારાસભ્ય અને મંદિરના ટ્રસ્ટીઓના અંગત સગા થતા હોય એટલે સંતોની તપાસ થવા દીધી નથી. હાલમાં તપાસ કરવા દેતા નથી એટલે પોલીસ યોગ્ય તપાસ કરતી નથી. આ બનાવમાં સગીર કિશોર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય થયાનું પણ તબીબી તપાસમાં આવ્યું હતું. આ બધી બાબતોએ સ્થાનિક પોલીસ અને હવે સીઆઈડી પણ યોગ્ય તપાસ કરતી નથી પરિવારનો એકમાત્ર લાડકો પુત્ર સ્વ. નીખિલની હત્યાથી પરિવાર હતાશ છે અને સરકાર સિવાય અન્ય કોઈ આમાં મદદ કરે તેમ ના હોય જેથી પરિવારે ફરિયાદ કરી છે કે આપણી પોલીસ ગમે તેવા ગુનેગારોને ગમે ત્યાંથી પકડી લે છે તો અમોએ દર્શાવેલ સ્થળે અને સંતોની કેમ તપાસ થતી નથી તેનું કારણ શું? તેવા સવાલો ઉઠાવ્યા છે અને છેલ્લા ત્રણ વર્ષથી રજૂઆત છતાં બાળકની હત્યાનો બનાવ અમને જીવવા દેતો નથી અને હત્યારાને શોધી કાનુનને હવાલે કરો એ જ માંગણી છે. અમારી માંગણી મુજબ તાત્કાલિક તપાસ નહીં થાય તો પરિવારના ચાર સદસ્યો માતા-પિતા, બહેન અને નવજાત બાળક સાથે વિધાનસભાના પટાંગણમાં તા. ૨૨-૦૩-૨૦૧૮ને ગુરુવારના દિવસ આત્મવિલોપન કરીશું તેવી ચિમકી ઉચ્ચારી છે અને જે પરિસ્થિતિ માટે રાજ્ય સરકાર જવાબદાર રહેશે તેમ પણ જણાવ્યું છે.

વર્ષ ૨૦૧૫ ના અંતમાં મોરબીમાં ચકચાર મચાવનાર સ્વ. નીખિલ ધામેચા સ્કૂલેથી છૂટ્યા બાદ ઘરે પરત નહીં ફરતા પરિવારે શોધખોળ આદરી હતી અને અપહરણનો ગુન્હો નોંધી પોલીસે તપાસ ચલાવી હતી. જોકે ત્રણ દિવસ બાદ નદીના કાંઠેથી હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. જેમાં સ્થાનિક પોલીસ બાદ સીઆઈડી તપાસ ચલાવી રહી છે છતાં હજુ હત્યારાના કોઈ સગડ મળ્યા નથી. તેમજ પોલીસ આરોપી સુધી પહોંચી શકી નથી અને હત્યાનું કારણ પણ હજુ અકબંધ છે.

-----------------------------------

(12:05 pm IST)