Gujarati News

Gujarati News

News of Wednesday, 7th March 2018

વરિષ્ઠ નાગરીકો માટે રાજ્ય સરકારની શ્રવણ તીર્થદર્શન યોજના

ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની વેબસાઈટ પર ઓનલાઈન અરજીની સુવિધા

અમરેલી : વૃધ્ધ માતા-પિતાને કાવડમાં બેસાડી યાત્રા કરાવનાર શ્રવણ તમામ દેશવાસીઓના હૃદયમાં અનોખું સ્થાન ધરાવે છે. આધુનિક યુગમાં ગુજરાત રાજયના વરિષ્ઠ નાગરિકો (સિનીયર સીટીઝન) ગુજરાતમાં આવેલા યાત્રાધામોના દર્શન સરળતાથી કરી શકે તે અર્થે ગુજરાત સરકાર શ્રવણ તીર્થદર્શન યોજના અમલમાં મૂકી છે. તા.૧ મે-૨૦૧૭ના રોજથી અમલમાં આવેલી આ યોજનાની કેટલીક વિગતો આ મુજબ છે.

શ્રવણ તીર્થદર્શન યોજના માટે કોણ કરી શકે અરજી?      

ગુજરાત રાજયમાં વસવાટ કરતા હોય તેવા સિનીયર સીટીઝનને જ આ લાભ મળી શકે છે. અરજીની તારીખે અરજદાર ૬૦ કે તેથી વધુ વર્ષના હોવા જોઇએ. પતિ-પત્ની એકસાથે યાત્રા કરતા હોય તો બે પૈકી એકની ઉંમર અરજીની તારીખે ૬૦ કે તેથી વધુ હોવી જોઇએ. આ યોજના હેઠળ લાભ લેવા માટે ઓછામાં ઓછા ૪૫ યાત્રાળુઓના સમૂહની અરજી માન્ય ગણાશે. વ્યકિતગત કે ૪૫ થી ઓછા વ્યકિતઓની અરજી માન્ય ગણાશે નહિ.

બે રાત્રિ અને ત્રણ દિવસની મર્યાદામાં અથવા અનુકૂળતા મુજબ ઓછા દિવસ-દિવસો માટે પણ આયોજન કરી શકાશે. યાત્રાધામ પ્રવાસનો રૂટ યાત્રિકો પોતે જ નક્કી કરશે. જો બે રાત્રિ અને ત્રણ દિવસ કરતા વધુ દિવસ મુસાફરી કરવામાં આવશે તો વધુ દિવસો માટે રાહતનો લાભ મળી શકશે નહિ. યાત્રાળુ ૭૫ વર્ષ કે તેથી વધુ વય ધરાવતા હોય અને એકલા હોય તો તેમની સાથે એક એટડેન્ટ ૬૦ વર્ષથી નીચેની ઉંમરના હોય તો પણ લઇ જઇ શકાશે.

ગ્રુપમાં ડૉકટર, નર્સ-કમ્પાઉન્ડર, રસોઇયા-હેલ્પર વગેરેનો વધુમાં વધુ પાંચ વ્યકિતની મર્યાદામાં સમાવેશ થઇ શકશે. તેમની ઉંમર ૬૦ વર્ષથી નીચે હોય તો પણ પ્રવાસને પાત્ર બનશે. તેમજ તેમને બસભાડાની ૫૦ ટકા રાહતની રકમની સહાય મળવાપાત્ર રહેશે.

શ્રવણ તીર્થદર્શન યોજના માટે અરજી પ્રક્રિયા

ગ્રુપ લીડરે અથવા ટ્રાવેલ એજન્ટે ઓછામાં ઓછા ૪૫ યાત્રીઓ કે જેઓ ગુજરાત રાજયમાં વસવાટ કરતા હોય અને ૬૦ વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતા હોય, તેની વિગતો સાથે આધારકાર્ડ, ચૂંટણી કાર્ડ, પાસપોર્ટ, રેશનકાર્ડ, ડ્રાઇવીંગ લાયસન્સ સહિતના દસ્તાવેજની સ્વપ્રમાણિત નકલ જોડવાની રહેશે. અરજી માટે જીએસઆરટીસીની ૧૬ વિભાગીય કચેરી પૈકી નજીકની વિભાગીય કચેરીનો સંપર્ક કરવાનો રહેશે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની www.yatradham.gov.in પરથી અરજીનો નમૂનો ડાઉનલોડ કરી શકાશે. આધારકાર્ડ ધરાવતા હોય તેઓ ઓનલાઇન અરજી પણ કરી શકશે.

શ્રવણ તીર્થદર્શન યોજના સહાયની ચૂકવણી      

જીએસઆરટીસીની બસમાં મુસાફરી કરી હોય તો જીએસઆરટીસીની સુપર બસ (નોન એસી)ના બસ ભાડાની ૫૦ ટકા રકમની માંગણી જીએસઆરટીસી બોર્ડ દ્વારા નિમવામાં આવેલ પ્રતિનિધી મારફતે મોકલી આપવાની રહેશે, જેની ચૂકવણી બોર્ડ દ્વારા કરવામાં આવશે. ખાનગી ટ્રાવેલ્સ મારફતે યાત્રા કરેલ હોય તો આવા પ્રવાસના પુરાવારૂપે બસના યાત્રી સાથેનો ફોટોગ્રાફ જે-તે બસનો નંબર સ્પષ્ટ રીતે દેખાય તે રીતે અચૂક રજૂ કરવાનો રહેશે. જે યાત્રાધામના પ્રવાસે ગયા હોય તે યાત્રાધામમાંથી આ પ્રવાસ અંગેનું સહી-સિક્કા સાથેનું પરિશિષ્ટ-૨ મુજબનું પ્રમાણપત્ર મેળવી રજૂ કરવાનું રહેશે.

આ યોજના સંબંધિત વિગતો માટે શ્રી મેહુલ ગજેરાના મોબાઇલ નં. ૯૦૯૯૫ ૧૨૨૫૫નો સંપર્ક કરી શકાશે.

                                                   આલેખન : દિવ્યા છાટબાર 

(11:50 am IST)