Gujarati News

Gujarati News

News of Wednesday, 7th March 2018

ઉના તાલુકાના આર્મી જવાનોનું આન બાન અને શાન સાથે સન્માન

આમોદ્રામાં આર્મી જવાનો તથા નિવૃત સૈનિકોનું બહુમાન ચાંદીનું મેડલ અને સન્માન પત્રઃ શહીદ જવાનોને શ્રધ્ધાંજલી

ઉના તા. ૭ :.. તાલુકાના નાનુ એવુ આમોદ્રા ગામના સરપંચ ગોપાલભાઇ જાદવને ગામના યુવાનો ત્થા બાળકોમાં રાષ્ટ્ર ભાવના જાગૃત થાય તે માટે ગામનાં જે યુવાનો લશ્કરની વિવિધ પાંખોમાં ફરજ બજાવવા ગયેલ હોય અને જાનનાં જોખમે ફરજ બજાવતાં વર્તમાન ત્થા નિર્વત જવાનોનું સન્માન કરવા વિચાર આવતા ગ્રામજનોએ એકી અવાજે સ્વીકારી લઇ અમોદ્રા વિન્ય મંદિર હાઇસ્કુલના આચાર્ય નિતીનભાઇ ઓઝાના માર્ગદર્શન હેઠળ એક ભવ્ય સૈનિક સન્માન સમારંભ ર૦૧૮ શાળાનાં મેદાનમાં યોજવામાં આવ્યો હતો. પ્રથમ પ્રારંભ ટ્રેકટરમાં ૧ર થી વધુ સૈનિકો ને બેસાડી વાજતે ગાજતે ગામના વિવિધ માર્ગો ઉપર ફરી કાર્યક્રમના સ્થળે પહોંચતાં ગ્રામજનોએ ઉષ્મા ભર્યુ સ્વાગત કર્યુ હતું.

આ કાર્યક્રમ ઉના તાલુકાનાં ખાપર ગામનાં સપુત અને નાગાલેન્ડ માં સ્પેશ્યલ ફોર્સમાં ફરજ બજાવતાં કિર્તી ચંદ્રક વિજેતા લેફટનન્ટ કર્નલ શ્રી અજીતસિંહ ઝાલાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. પ્રથમ આગેવાનો ત્થા સૈનિકોએ ભારત માતાનાં ફોટા પાસે દિપ પ્રગટાવેલ હતું. ત્યારબાદ ગામમાં ભાઇઓ બહેનોએ સ્વાગત ગીત ત્થા રાષ્ટ્રભકિતનાં સાંસ્કૃતિક કાર્યક્રમ આપ્યા  હતાં. આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં ભાઇઓ-બહેનો ઉમટી પડયા હતાં.

લેફટનન્ટ કર્નલ શ્રી અજીતસિંહ ઝાલાનું સ્વાગત ગામના આગેવાનોએ કર્યુ હતું. ત્યારબાદ સરપંચશ્રી ગોપાલભાઇ જાદવે સ્વાગત - પ્રવચન આપ્યુ હતું. અને ત્યારબાદ અમોદ્રા ગામના વતની અને સૈનિક તરીકે ફરજ બજાવી નિવૃત થયેલા બચુભાઇ ગોવિંદભાઇ ચૌહાણ, સેવા બજાવતા સૈનિક કનુભાઇ ઉકાનભાઇ મોરી, ધીરજલાલ નારણભાઇ ઉનેવાળ, અશ્વિનભાઇ ભુપતભાઇ જાદવ, નિવૃત સૈનિક બાબુભાઇ માંડણભાઇ જાદવ, સેવા બજાવતા સૈનિક અનિલભાઇ સીદીભાઇ સોલંકી, સૈનિક પ્રવિણસિંહ દાનાભાઇ સોલંકી, રાજદિપસિંહ બચુભાઇ જાદવ, નિવૃત સૈનિક કાનજીભાઇ સગરામભાઇ સોલંકીનું સન્માન કરેલ હતું.

રાજસ્થાનમાં બીએસએફ માં ફરજ બજાવતાં મહિલા સૈનિક શ્રીમતી વર્ષાબેન વિપુલભાઇ સોલંકી, સૈનિક રમેશભાઇ પ્રતાપભાઇ જાદવ, મયુરભાઇ કરશનભાઇ ઉનેવાળનું ચાંદીના મેડલ, સાલ ત્થા પ્રમાણ પત્ર આપી ગામના આગેવાનો અજીતસિંહ ઝાલા, જેસીંગભાઇ મોરી ત્થા રાંદલ માતાજીનાં પુજારી મધુકરભાઇ જોષી વિગેરે આગેવાનો દ્વારા સન્માનીત કરવામાં આવેલ હતું.

કાર્યક્રમમાં તમામ સૈનિકોનો પરિચય આપતી ફિલ્મ પણ બતાવવામાં આવી હતી.  આ પ્રસંગે સૈનિકોએ યુવાન-યુવતીઓને લશ્કરમાં જોડાઇ મા ભારતની રક્ષા કરવા આહવાન ત્થા માહિતી આપી હતી. આ પ્રસંગે સરહદ ઉપર ભારત દેશની રક્ષા ફરતા શહીદ થયેલ સૈનિકોને શ્રધ્ધાંજલી અપર્ણ કરવા બે મિનીટનું મૌન પાળી શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી.

કાર્યક્રમનું સંચાલન આચાર્ય નિતીનભાઇ ઓઝાએ કર્યુ હતું. આભારવિધી પ્રાથમિક શાળાના આચાર્ય અશ્વિનભાઇ જાદવે કરી હતી. ૪ કલાક સુધી લોકોએ કાર્યક્રમ માણ્યો હતો. અને આમોદ્રાનાં સૈનિક સન્માન સમારંભ પ્રેરણારૂપ કાર્યક્રમ બન્યો હતો.

(11:44 am IST)