Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

માળિયાની બેશાળાના પાંચ શિક્ષકોને ફરજનિષ્ઠા અભાવને પગલે નોટીસ

૭ દિવસમાં જવાબ રજુ કરવા આદેશ, એક શિક્ષકનો એવોર્ડ પરત લેવાયો

 

મોરબી તા. ૭ : માળિયા તાલુકામાં જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીના સરપ્રાઈઝ ચેકિંગમાં ફરજ બેદરકારી બદલ આચાર્ય અને સીઆરસી કો ઓર્ડીનેટર સામે કાર્યવાહી કરવામાં આવ્યા બાદ રાજયના શિક્ષણ સચિવ મોરબી પધાર્યા હોય અને માળિયાની બે શાળામાં તેમને જાત તપાસ કરતા ફરજ પ્રત્યે નિષ્ઠાનો અભાવ જોવા મળતા પાંચ શિક્ષકોને નોટીસ ફટકારી છે.

રાજયના શિક્ષણ સચિવ વિનોદ રાવ તાજેતરમાં મોરબી આવ્યા હોય અને માળિયા તાલુકાના મોટા દહીંસરા અને વવાણીયા શાળામાં તેમને ચેકિંગ હાથ ધર્યું હતું જેમાં શિક્ષકોમાં અધ્યતન જ્ઞાનનો અભાવ તેમજ ફરજ નિષ્ઠા પ્રત્યે દાખવેલી બેદરકારી બાદ કાર્યવાહી કરવામાં આવી છે જેમાં પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા પાંચ શિક્ષકોને નોટીસો ફટકારવામાં આવી છે અને સાત દિવસમાં જવાબો રજુ કરવાનો આદેશ કરાયો છે.

અગાઉ માળિયા તાલુકામાં એક આચાર્ય અને સીઆરસી કો ઓર્ડીનેટરને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવી હતી જયારે હવે પાંચ શિક્ષકો સામે કાર્યવાહીથી સમગ્ર શિક્ષણ જગતમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. માળિયા તાલુકાના મોટા દહીંસરા શાળાના બે શિક્ષકો તેમજ વવાણીયા કુમાર અને કન્યા શાળાના ૩ શિક્ષકો એમ પાંચ શિક્ષકોને નોટીસો ફટકારી છે. શિક્ષણ સચિવે કરેલી જાત તપાસમાં અસંતોષ જણાઈ આવતા જીલ્લા પ્રાથમિક શિક્ષણધિકારી મયુર પારેખ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા શિક્ષણ સચિવની મુલાકાત બાદ પાંચ શિક્ષકોને નોટીસો ફટકારી છે અને શિક્ષણનું સ્તર સુધારવા આવકારદાય પગલા લેવાઈ રહ્યા છે જેને સૌ કોઈ સલામ કરે છે અને કાર્યવાહી કાબિલે તારીફ છે જ પરંતુ ગત ૨૬ જાન્યુઆરીના રોજ એક શિક્ષકને આપેલ એવોર્ડ પરત લેવાનો નિર્ણય હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે કારણકે શિક્ષકને સારી કામગીરી માટે બીઆરસી અથવા સીઆરસીની ભલામણથી જ એવોર્ડ મળતા હોય છે અને ૧૦ દિવસ પૂર્વે આપેલ એવોર્ડ અને સન્માનપત્ર પરત લેવાની ઘટનાથી તંત્રએ થુકેલું જ ચાટયુ હોય તેવું લાગી રહ્યું છે અને કયાંક ને કયાંક શિક્ષણ સચિવની નારાજગીને પગલે કાર્યવાહી કરવામાં શિક્ષક સાથે અન્યાય તો નથી કરવામાં આવી રહ્યો ને તેવા સવાલો ઉઠી રહ્યા છે કારણકે બાળકોના ભવિષ્યના આધાર એવા શિક્ષકનું આ રીતે માનભંગ કરવું યોગ્ય ના હોવાનું પ્રબુદ્ઘ નાગરિકો માની રહ્યા છે

(11:41 am IST)