Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

હિંમતવાન તસ્કર : દ્વારકા પોલીસના કબ્જામાંથી બાઇક ઉઠાવી ગયો

ખંભાળીયા, તા. ૭ : દ્વારકા જિલ્લામાં ઘરફોડ ચોરી, બાઇકની ઉઠાંતરી સહિતના બનાવોમાં વધતા જિલ્લામાં રીતસરપણે પોલીસ સામે તસ્કરો બળુકા બન્યા છે. જેનું નામુનારૂપ ઉદાહરણ દ્વારા પોલીસ મથકમાં નોંધાયેલી ફરીયાદમાં જ જોવા મળી રહ્યું છે. પો.કોન્સ. ઇન્દ્રસિંહ જીલુભા જાડેજાએ ફરીયાદ નોંધાવી છે કે, દ્વારકા પોલીસ મથકના કમ્પાઉન્ડમાં દારૂના ગુનામાં શખ્સ સાથે ઝડપાયેલુ જી.જે.૩૭-ડી-૪૬૯પ નંબરનું બાઇક મુદામાલ તરીકે કબ્જે લઇ પોલીસ મથકમાં રાખવામાં આવ્યું હતું જે ગત તા. ૬ના રોજ કોઇ અજાણ્યો શખ્સ પોલીસ કમ્પાઉન્ડની દિવાલ ઠેકી અંદર પ્રવેશી બાઇક ઉઠાવી જતાં પોલીસે ગુનો નોંધ્યો છે.અ ા અંગેની વધુ તપાસ પીઆઇ વી.વી. વાગડીયા ચલાવી રહ્યા છે.

પોલીસ કમ્પાઉન્ડની દિવાલ ઠેકી જો કોઇ બાઇકની ઉઠાંતરી કરી જતું હોય તો કોની હિંમતને દાદ આપવી તે પણ ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે હવે પોલીસને ચેલેન્જ મારી બાઇક ઉઠાવી જતાં શખ્સને પોલીસ કેટલા દિવસમાં પકડી પાડે છે તે પણ પોલીસ માટે અગ્નિપરીક્ષા સમાન છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગણતરીના દિવસો પૂર્વે જ મીઠાપુરમાં ત્રણ મકાનમાંથી પાંચેક લાખ રૂપિયાની ચોરી અગાઉ ભાટીયા, ખંભાળીયા સહિતના રહેણાંક મકાનોમાં તસ્કરોએ મચાવેલા તરખાટ સુધી પોલીસ પહોંચી શકી નથી ત્યાં હવે દ્વારકા પોલીસ કમ્પાઉન્ડમાંથી જ બાઇકની ઉઠાંતરી એ દ્વારકા જિલ્લાની કાયદા વણસતી સ્થિતિ ખુલ્લી પાડી રહી છે.

આઠ બોટલ દારૂ સાથે ઝડપાયો

દ્વારકા ટીવી સ્ટેશન પાસેથી માઇક્રો ટાવર પાસે રહેતો ફારૂક નુરમામદ બાલાગમીયા નામનો શખ્સ પોતાના કબ્જામાં ઇંગ્લીશ દારૂની બોટલ રાખી વેચાણ કરતો હોવાની બાતમીના આધારે પોલીસે ઝડપી લેતા શખ્સ પાસેથી ઇંગ્લીશ દારૂની બોટલ નંગ ૮ કિ.રૂ. ૩ર૦૦ તથા મોબાઇલ ફોન મળી કુલ રૂ.૩૭૦૦ની મતા કબ્જે કરી કાર્યવાહી કરી હતી.

(11:38 am IST)